અમરેલી, લાઠી: અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના મતીરાળા ગામે જમકુડી નદીમાં નવા નીરના વધામણા પ્રસંગે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન સુરક્ષાને લઈને ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. કાર્યક્રમ દરમિયાન ડ્રોન શૂટિંગ અને પબ્લિસિટી મેળવવાના હેતુથી નાના બાળકો, મહિલાઓ અને ગ્રામજનોને ધસમસતા પાણી વચ્ચે ઉભા રાખવામાં આવ્યા હોવાના આક્ષેપો સામે આવ્યા છે.
માહિતી અનુસાર, ચેકડેમની જોખમી પાળ પર જળકુંભ સાથે લોકો ઉભા રાખીને વિડિયો અને ફોટોગ્રાફી કરવામાં આવી હતી. ઘટનાના દૃશ્યોમાં પાણીનો પ્રવાહ તેજ જોવા મળે છે. આવી સ્થિતિમાં સહેજ પણ પગ લપસે તો ગંભીર અકસ્માત સર્જાઈ શકે તેવી સ્થિતિ હોવા છતાં સુરક્ષા વ્યવસ્થાનો અભાવ હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે.
સ્થાનિકોમાં એવી પણ ચર્ચા છે કે સમગ્ર આયોજન દરમિયાન સુરક્ષાના પૂરતા સાધનો કે તકેદારીના પગલાં જોવા મળ્યા નહોતા. બાળકો અને મહિલાઓને જોખમ વચ્ચે રાખીને કાર્યક્રમ યોજાતા સ્થાનિકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.
આ કાર્યક્રમ પદ્મશ્રી સવજી ધોળકિયાના સન્માનના ભાગરૂપે યોજાયો હોવાનું જણાવાઈ રહ્યું છે. જોકે, કાર્યક્રમ દરમિયાન અપનાવવામાં આવેલી સુરક્ષા વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઊભા થયા છે.
ઘટનાને લઈને હવે ચર્ચા એ છે કે શું સંબંધિત તંત્ર સમગ્ર મામલે તપાસ કરશે અને જો સુરક્ષા નિયમોના ભંગની પુષ્ટિ થશે તો જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કે નહીં.







