રાજકોટ, રાજકોટ ગ્રામ્ય સાયબર ક્રાઇમ પોલીસને ઓનલાઈન સાયબર ઠગાઈના એક મોટા કેસમાં સફળતા મળી છે. પોલીસે નોઈડાથી ત્રણ આફ્રિકન નાગરિકોની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં એક મહિલા ઘાનાની, જ્યારે બે પુરુષ અનુક્રમે તાંઝાનિયા અને સુદાનના નાગરિક હોવાનું સામે આવ્યું છે.

આ સમગ્ર મામલે રાજકોટ ગ્રામ્ય સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. પોલીસના જણાવ્યા મુજબ, જસદણ પંથકના એક વ્યક્તિને ફેસબુક મારફતે ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી સંપર્ક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મહિલાએ પોતે વિધવા હોવાનું જણાવી વિશ્વાસ જીત્યો અને ધીમે-ધીમે નજીકનો સંબંધ બનાવી સાયબર ઠગાઈને અંજામ આપ્યો હતો.

તપાસ દરમિયાન પોલીસે નોઈડામાં દરોડા પાડી ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી અંદાજે 15 જેટલા બેંક એકાઉન્ટની વિગતો મળી આવી છે. આ એકાઉન્ટનો ઉપયોગ અન્ય સાયબર ઠગાઈના ગુનાઓમાં થયો છે કે કેમ, તે દિશામાં પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

પોલીસ હાલમાં આરોપીઓના નેટવર્ક, બેંક ટ્રાન્ઝેક્શન, અન્ય સંભવિત પીડિતો તેમજ આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય કનેક્શન અંગે પણ ઊંડી તપાસ કરી રહી છે.