અમરેલી: અમરેલી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU)એ વર્ષ 2014માં નોંધાયેલા સગીર બાળકીના અપહરણ અને POCSO એક્ટ હેઠળના 12 વર્ષથી વધુ જૂના બ્લાઈન્ડ અને અનનામ કેસનો ભેદ ઉકેલી મોટી સફળતા મેળવી છે. લાંબા સમયથી અજાણ્યા આરોપી સામે તપાસ ચાલી રહી હતી, ત્યારે પોલીસે ફરીથી તપાસ હાથ ધરી આરોપી સુધી પહોંચવામાં સફળતા મેળવી છે.
વર્ષ 2014માં અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં સગીર બાળકીના અપહરણ તેમજ POCSO એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. કેસમાં આરોપી અજાણ્યો હોવાથી વર્ષોથી તપાસ પોલીસ માટે પડકારરૂપ બની રહી હતી.
અમરેલી SP સંજય ખરાતના આદેશ બાદ AHTU દ્વારા આ કેસની ફરીથી ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી. PI વી.પી. ગોલની આગેવાની હેઠળની ટીમે ટેકનિકલ સર્વેલન્સ, હ્યુમન ઈન્ટેલિજન્સ તેમજ મોબાઈલ અને બેંકિંગ સંબંધિત વિગતોના આધારે તપાસ આગળ ધપાવી હતી.
પોલીસ ટીમે જુદી-જુદી કડીઓ જોડીને લાંબા સમયથી વણઉકેલાયેલા કેસમાં મહત્વની માહિતી મેળવી હતી. સતત તપાસ બાદ પોલીસ આખરે અજાણ્યા આરોપી સુધી પહોંચવામાં સફળ રહી હતી.
આ સાથે પોલીસે ભોગ બનનારને પણ શોધી કાઢી સમગ્ર કેસમાં મહત્વની પ્રગતિ મેળવી છે. 12 વર્ષથી વધુ સમયથી પડકારરૂપ બનેલા આ કેસનો ભેદ ઉકેલવામાં અમરેલી AHTUની ટીમની કામગીરીને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.







