રાજકોટ જિલ્લાના ધોરાજીમાં જમનાવાડ રોડ પર રેલવે ફાટક નજીક રહેતા દંપતીએ ઝેરી દવા પી એકસાથે આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. પતિ-પત્નીના એકસાથે મોતથી પરિવારજનોમાં ભારે આક્રંદ ફેલાયો છે.

મળતી માહિતી મુજબ, જીતુભાઈ મોહનભાઈ રાવરાણી અને તેમના પત્ની મધુબેન જીતુભાઈએ પોતાના ઘરે સેલફોસની ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.

ધોરાજીમાં પતિ-પત્નીએ ઝેરી દવા પી આપઘાત કર્યો

પોલીસે બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા છે. દંપતીએ આટલું આત્યંતિક પગલું કયા કારણોસર ભર્યું અને પાછળ કઈ મજબૂરી હતી, તે અંગેનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી.

પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને આપઘાત પાછળના સંભવિત કારણો અંગે પરિવારજનો તથા સંબંધિત લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે.

એકસાથે દંપતીના મોતથી પરિવારમાં શોક

ધોરાજીમાં બનેલી આ ઘટનાથી પરિવારજનો અને આસપાસના લોકોમાં શોકની લાગણી પ્રસરી છે. પતિ-પત્નીના એકસાથે થયેલા કમકમાટીભર્યા મોતને પગલે સમગ્ર વિસ્તારમાં ગમગીનીનો માહોલ જોવા મળી રહ્યો છે.