ગાંધીનગર: ગ્રામ્ય કક્ષાએ વહીવટી કામગીરી વધુ સરળ અને પારદર્શક બનાવવા ગુજરાત સરકારે પંચાયત તલાટી-કમ-મંત્રી અને મહેસૂલી તલાટી વચ્ચે કામગીરીની સ્પષ્ટ વહેંચણી કરી છે. રાજ્ય સરકાર દ્વારા બંને કેડરની કામગીરી અને જવાબદારીઓ અંગે જોબ ચાર્ટ જાહેર કરવામાં આવ્યો છે.

પંચાયત મંત્રી ઋષિકેશ પટેલે ગાંધીનગરથી આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, પંચાયત તલાટી અને મહેસૂલી તલાટીની કામગીરી અંગે લાંબા સમયથી ચાલી રહેલી વિચારણાના અંતે આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારના આ નિર્ણયથી ગ્રામ્ય કક્ષાએ કયા કામની જવાબદારી કયા તલાટી પાસે રહેશે તે અંગે વધુ સ્પષ્ટતા થશે.

ગ્રામીણ સ્તરે નાના-મોટા આશરે 90થી 100 પ્રકારના કામો થાય છે, જ્યારે વિષયવાર વર્ગીકરણ કરવામાં આવે તો પ્રજાલક્ષી કામગીરીની સંખ્યા આશરે 290 જેટલી થાય છે. નવા જોબ ચાર્ટથી આ કામગીરીનું વ્યવસ્થિત વિભાજન કરવામાં આવ્યું છે.

પંચાયત તલાટી-કમ-મંત્રીની જવાબદારી શું રહેશે?

પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા નક્કી કરાયેલા જોબ ચાર્ટ મુજબ પંચાયત તલાટી-કમ-મંત્રી ગ્રામ પંચાયતના સચિવ તરીકે પંચાયત અધિનિયમ અને નિયમો હેઠળની કામગીરી કરશે.

આ ઉપરાંત ગ્રામ વિકાસ સાથે જોડાયેલી વિવિધ કામગીરી પણ પંચાયત તલાટીના કાર્યક્ષેત્રમાં રહેશે. જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વ્યક્તિગત તથા વિકાસલક્ષી યોજનાઓનું ગ્રામ્ય સ્તરે અમલીકરણ, વિવિધ પ્રમાણપત્રો, ગ્રામસભા અને વિવિધ સમિતિઓની કામગીરીનો સમાવેશ થાય છે.

ગામની સ્વચ્છતા, પાણી પુરવઠો, વૃક્ષારોપણ, ગ્રામતળ, ગૌચર અને પંચાયત હસ્તકની જમીન, જાહેર મિલકતો તથા દબાણ સંબંધિત કામગીરી પણ જોબ ચાર્ટમાં સામેલ કરવામાં આવી છે.

આ ઉપરાંત PM-KISAN, PM-VISHWAKARMA, ઈ-ગ્રામ/ઈ-નિર્માણ કાર્ડ, આંગણવાડી, પ્રાથમિક શિક્ષણ, ગ્રામ્ય સ્વચ્છતા, પાણી પુરવઠો, ગ્રામતળના પ્લોટ, જાહેર હેતુની જમીન, આરોગ્ય અને સ્વચ્છતા સહિતની કામગીરી પંચાયત તલાટી-કમ-મંત્રીના કાર્યક્ષેત્રમાં રહેશે.

મહેસૂલી તલાટીને જમીન અને મહેસૂલ સંબંધિત કામગીરી

મહેસૂલ વિભાગ દ્વારા નક્કી કરાયેલા જોબ ચાર્ટ મુજબ મહેસૂલી તલાટી મુખ્યત્વે મહેસૂલ અને જમીન સંબંધિત કામગીરી સંભાળશે.

મહેસૂલના વિવિધ અધિનિયમો અને નિયમો, હિજરતી મિલકત, અશાંત ધારા, સરકારી જમીન અને મિલકતના રેકર્ડ તથા સર્વે સંબંધિત કામગીરી મહેસૂલી તલાટીના કાર્યક્ષેત્રમાં રહેશે. સાથે જ PM-સ્વામિત્વ યોજના સંબંધિત કામગીરીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

મહેસૂલી તલાટી દ્વારા જમીન મહેસૂલ અને બાકી લેણાની વસૂલાત, જમીનના રેકર્ડ અને હકોની કામગીરી, સરકારી જમીન અને મિલકત સંબંધિત હકોની ચકાસણી, દબાણ, જમીન સંપાદન તથા જમીન મહેસૂલની વહીવટી કામગીરી કરવામાં આવશે.

આ ઉપરાંત પાક કાપણી પ્રયોગો (Crop Cutting Experiments), ફાર્મર રજિસ્ટ્રેશન, પાક વીમો, કુદરતી આપત્તિના સમયે કૃષિ રાહત પેકેજ, જમીન સંબંધિત કામગીરી અને દબાણ અંગેની કાર્યવાહી સહિતની જવાબદારીઓ પણ મહેસૂલી તલાટીના જોબ ચાર્ટમાં સામેલ છે.

કુદરતી આપત્તિના સમયે બંને કેડર વચ્ચે સંકલન

સરકારે બંને કેડરની કામગીરી અલગ કરી હોવા છતાં જરૂરિયાત મુજબ પરસ્પર સહકાર અને સંકલન જળવાઈ રહે તેવી જોગવાઈ કરી છે.

ખાસ કરીને કુદરતી આપત્તિના સમયે કૃષિ રાહત પેકેજ સંબંધિત કામગીરીમાં પંચાયત તલાટી-કમ-મંત્રી અને મહેસૂલી તલાટી સંકલનપૂર્વક કામગીરી કરશે.

ગ્રામ્ય કક્ષાની કામગીરી માટે ખાસ કિસ્સામાં વિકાસ કમિશનર દ્વારા ખાસ હુકમ કરવામાં આવે તો VCE મહેસૂલી તલાટીને મદદરૂપ થઈ શકશે તેવી પણ જોગવાઈ કરવામાં આવી છે.

ગ્રામ્ય વહીવટમાં જવાબદારી વધુ સ્પષ્ટ થશે

રાજ્ય સરકારના આ નિર્ણયથી પંચાયત તલાટી-કમ-મંત્રી અને મહેસૂલી તલાટીની મૂળ કામગીરી, કાર્યક્ષેત્ર અને જવાબદારીઓ વધુ સ્પષ્ટ બનશે. જેના કારણે ગ્રામ્ય કક્ષાએ પંચાયતલક્ષી અને મહેસૂલી કામગીરીનું સંચાલન વધુ સુવ્યવસ્થિત બનવાની સાથે નાગરિકોને પણ યોગ્ય કામગીરી માટે સંબંધિત કચેરી અથવા કર્મચારી સુધી પહોંચવામાં સરળતા રહે તેવી વ્યવસ્થા ઊભી થશે.

News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`

Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો

 Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો

Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો

Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો