કચ્છ: બન્નીના વિશાળ ઘાસિયા મેદાનોમાં વન્યજીવ સંરક્ષણની દિશામાં વધુ એક મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી છે. ચિત્તા સંરક્ષણ-સંવર્ધન પ્રોજેક્ટ અંતર્ગત બન્ની વિસ્તારની ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવવા અને પર્યાવરણીય સંતુલન જાળવવાના હેતુસર ગુજરાત સરકારના વનવિભાગ દ્વારા 20 કાળિયારને બન્નીના ગ્રાસલેન્ડમાં મુક્ત કરવામાં આવ્યા છે. સ્વાતંત્ર્ય પર્વના દિવસે હાથ ધરાયેલી આ કામગીરીથી બન્નીના કુદરતી ઘાસિયા પર્યાવરણમાં સ્થાનિક તૃણાહારી વન્યજીવોની સંખ્યા વધારવાની દિશામાં મહત્વનું પગલું ભરાયું છે.
બન્ની ગ્રાસલેન્ડના નાયબ વનસંરક્ષક નેવીલ ચૌધરીના જણાવ્યા મુજબ, ચિત્તા સંરક્ષણ-સંવર્ધન પ્રોજેક્ટ હેઠળ બન્ની વિસ્તારમાં ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા માટે તૃણાહારી પ્રાણીઓનો વસવાટ પુનઃસ્થાપિત કરવામાં આવી રહ્યો છે. આ કામગીરીના ભાગરૂપે 20 કાળિયારને વિશેષ એમ્બ્યુલન્સ વાન મારફતે બન્ની વિસ્તારમાં લાવવામાં આવ્યા હતા અને જરૂરી પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ તેમને તેમના કુદરતી રહેઠાણ સમાન ઘાસિયા મેદાનમાં છોડવામાં આવ્યા હતા.
કાળિયારને એક સ્થળેથી બીજા સ્થળે ખસેડવાની પ્રક્રિયા દરમિયાન તેમના સ્વાસ્થ્ય અને નવા પર્યાવરણમાં અનુકૂલનની ખાસ કાળજી લેવામાં આવી હતી. જામનગરથી કચ્છના બન્ની વિસ્તાર સુધી કાળિયારને સુરક્ષિત રીતે લાવવા માટે બોમા પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બન્નીમાં પહોંચ્યા બાદ તેમને તાત્કાલિક ખુલ્લા મેદાનમાં મુક્ત કરવાને બદલે બોમા એન્ક્લોઝરમાં રાખવામાં આવ્યા હતા. અહીં તેમને સ્થાનિક વાતાવરણ, પાણી અને ખોરાકની પરિસ્થિતિથી પરિચિત કરાવવામાં આવ્યા બાદ સોફ્ટ રિલીઝ પદ્ધતિ દ્વારા કુદરતી રહેઠાણમાં છોડવામાં આવ્યા હતા.
વનવિભાગના જણાવ્યા અનુસાર, બન્નીમાં લાવવામાં આવેલા કાળિયારનું સ્થળાંતર કરતા પહેલાં પૂરતું તબીબી પરીક્ષણ અને હેલ્થ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. તમામ જરૂરી તપાસ પૂર્ણ કર્યા બાદ જ તેમને સુરક્ષિત રીતે બન્ની ખાતે લાવવામાં આવ્યા હતા. નવા વાતાવરણમાં તેઓ સ્વસ્થ રીતે અનુકૂળ થઈ શકે તે માટે નિષ્ણાતોની દેખરેખ હેઠળ સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
ચિત્તા સંરક્ષણ માટે માત્ર ચિત્તાની હાજરી પૂરતી નથી, પરંતુ તેના કુદરતી રહેઠાણમાં પૂરતો શિકાર આધાર અને યોગ્ય ઇકોસિસ્ટમ હોવી પણ જરૂરી છે. આ જ હેતુસર બન્નીના ઘાસિયા મેદાનોમાં કાળિયાર જેવા તૃણાહારી પ્રાણીઓનું પુનઃસ્થાપન કરવામાં આવી રહ્યું છે. તૃણાહારી વન્યજીવોની હાજરીથી ઘાસના મેદાનોની કુદરતી ખાદ્યશૃંખલા મજબૂત બનવાની સાથે જૈવવિવિધતા જાળવવામાં પણ મદદ મળી શકે છે.
બન્નીના બગડીયા વિસ્તારમાં ગ્રાસલેન્ડ રિસ્ટોરેશનની કામગીરી પણ ચાલી રહી છે. ચિત્તા માટે યોગ્ય ઇકોસિસ્ટમ ઊભી કરવાના ભાગરૂપે અંદાજે 660 એકર વિસ્તારમાં વિવિધ દેશી ઘાસના વાવેતર અને ઉછેરની કામગીરી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત વન્યજીવોના આરોગ્યની સતત દેખરેખ રાખવા માટે પશુ હોસ્પિટલ, જરૂરી દવાઓ અને સાધનો તેમજ તબીબોની ટીમની વ્યવસ્થા કરવામાં આવી છે.
વનવિભાગના જણાવ્યા મુજબ, અગાઉ અને તાજેતરમાં બન્ની વિસ્તારમાં લાવવામાં આવેલા કાળિયાર સહિત 200થી વધુ કાળિયાર હાલમાં ચિત્તા સંવર્ધન કેન્દ્ર ખાતે વિચરણ કરી રહ્યા છે. કાળિયાર જેવા તૃણાહારી પ્રાણીઓની સંખ્યા વધવાથી ઘાસિયા મેદાનોમાં કુદરતી પર્યાવરણીય પ્રક્રિયાઓને વેગ મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
બન્નીમાં ગ્રાસલેન્ડ રિસ્ટોરેશન, તૃણાહારી વન્યજીવોનું પુનઃસ્થાપન અને આરોગ્ય મોનિટરિંગ જેવી કામગીરી એકસાથે આગળ વધારવામાં આવી રહી છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય બન્નીના કુદરતી પર્યાવરણને વધુ સક્ષમ બનાવવાનો અને ભવિષ્યમાં ચિત્તા માટે જરૂરી કુદરતી ઇકોસિસ્ટમ તૈયાર કરવાનો છે.
આ સમગ્ર કામગીરી સફળ થાય તો બન્ની વિસ્તારની જૈવવિવિધતાને વધુ મજબૂતી મળી શકે છે. કાળિયાર સહિતના શાકાહારી વન્યજીવો માટે યોગ્ય રહેઠાણ ઊભું થયા બાદ ઘાસના મેદાનોનું કુદરતી પુનઃજીવન વધુ ઝડપી બનવાની શક્યતા છે. વનવિભાગ દ્વારા ચાલી રહેલી આ કામગીરીને બન્નીમાં ચિત્તાના સંભવિત આગમન માટેની પૂર્વ તૈયારીઓ તરીકે પણ જોવામાં આવી રહી છે. આગામી સમયમાં બન્નીના કુદરતી ઘાસિયા મેદાનોમાં ચિત્તાના સંરક્ષણ માટે જરૂરી પરિસ્થિતિ ઊભી કરવાનો પ્રયાસ વધુ વેગ પકડે તેવી શક્યતા છે.







