એક તરફ ગુજરાતમાં દારૂબંધી છે બીજી તરફ પોલીસમાં જ ભરતી થયેલ વ્યક્તિ ગુજરાતમાં મિત્રોને દારૂ પાર્ટી આપે છે. અને એ પણ ડુપ્લિકેટ. જેનાથી ગુજરાતમાં અનેક સવાલો ઊભા થયા છે. ભાવનગરમાં કથિત નકલી દારૂકાંડને લઈને તપાસનો દોર વધુ ગંભીર બન્યો છે. લઠ્ઠાકાંડમાં અત્યાર સુધી છ લોકોનાં મોત થયાનું સામે આવ્યું છે ત્યારે એક શિક્ષકના ઘરમાંથી મૃતદેહ મળી આવતાં સમગ્ર મામલે વધુ સવાલો ઊભા થયા છે.

મળતી માહિતી મુજબ, મૃતદેહ જ્યાંથી મળી આવ્યો હતો તે ઘરના રસોડામાં રોયલ સ્ટેગની અડધી બોટલ પણ મળી આવી હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે પોલીસ અને તપાસ એજન્સીઓએ સમગ્ર મામલે તપાસ વધુ ઝડપી બનાવી છે.

21 બુટલેગરો સામે ફરિયાદ
ભાવનગરના કથિત નકલી દારૂકાંડમાં પોલીસે કાર્યવાહીનો વ્યાપ વધાર્યો છે. મુખ્ય સપ્લાયર ગૌતમ સોલંકી સહિત કુલ 21 બુટલેગરો સામે ફરિયાદ નોંધવામાં આવી હોવાનું જાણવા મળે છે. વરતેજ પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. નકલી દારૂના કથિત નેટવર્કમાં કોણ-કોણ સંકળાયેલું છે અને દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો હતો તે સહિતના મુદ્દાઓ પર તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા શંકાસ્પદ ડુપ્લિકેટ દારૂનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.

પોલીસની બેદરકારી મામલે પણ કાર્યવાહી
લઠ્ઠાકાંડની તપાસ દરમિયાન પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે. આ મામલે વરતેજ પોલીસ સ્ટેશનના ચાર કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ કાર્યવાહી હેઠળ બીટ જમાદાર સહિત ડી-સ્ટાફના ત્રણ કર્મચારીઓ સામે પણ પગલાં લેવાયા હોવાનું જાણવા મળે છે. સસ્પેન્ડ થયેલા પોલીસકર્મીઓના નામ જયરાજસિંહ ગોહિલ, શક્તિસિંહ સરવૈયા, અનિરૂદ્ધસિંહ ડાયમા અને ધર્મપાલસિંહ ગોહિલનો સમાવેશ થાય છે. જિલ્લા પોલીસ વડાએ નિતેશ પાંડેયે આ કાર્યવાહી કરી છે. જિલ્લા પોલીસ વડા દ્વારા પોલીસ કર્મચારીઓની કામગીરી અને સંભવિત બેદરકારી અંગે વિભાગીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

સમગ્ર તપાસ SMCને સોંપાઈ
કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સમગ્ર મામલાની તપાસ SMCને સોંપવામાં આવી હોવાનું જણાવાયું છે. તપાસ એજન્સી દ્વારા નકલી દારૂના કથિત સ્ત્રોતથી લઈને સપ્લાય ચેઇન અને તેમાં સંડોવાયેલા લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પોલીસે જપ્ત કરાયેલા દારૂના જથ્થા સહિતના પુરાવાઓના આધારે તપાસ આગળ વધારી છે.

કેમ સર્જાયો દારૂકાંડ ?
ઘટના છે તારીખ 16ની જેમાં ખરકડી ગામે રહેતા વિશ્વરાજસિંહ ગોહિલ પોલીસ ભરતીમાં સિલેકટ થતા તેઓએ તેના મિત્રો ઉપેન્દ્રસિંહ ચંદ્રસિંહ ગોહિલ, હરપાલસિંહ પ્રદિપસિંહ ગોહિલ, જયદિપસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલને ખરકડી ગામની સીમમાં પાર્ટી આપતા ચારેય મિત્રો પૈકી જયદિપસિંહ સિવાયના ત્રણ વ્યક્તિએ રોયલ સ્ટેગ દારૂનું સેવન કર્યું હતું જે પૈકી ઉપેન્દ્રસિંહ ગોહિલનું સારવાર દરમિયાન મૃત્યુ થયુ હતું. અને વિશ્વરાજસિંહ ગોહિલને ગંભીર હાલતમાં અર્હમ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. તેમજ પોલીસ તપાસ દરમિયાન આલ્કોહોલમાં મિથેનોલ અથવા તો ઇથેનોલ વધુ પ્રમાણમાં ભળી જવાથી આવી અસર થઇ હોવાનું ખુલવા પામ્યું હતું. બીજી તરફ ગાંધીનગર FSLના રિપોર્ટમાં ઘટસ્ફોટ થયો છે કે, જપ્ત કરાયેલી બોટલમાં 38.59% મિથેનોલ અને માત્ર 0.94% ઇથેનોલ મળી આવ્યું હતું. આ ઉપરાંત મૃતકો અને સારવાર લઈ રહેલા તમામ દર્દીઓના બ્લડ સેમ્પલમાં પણ ઝેરી મિથેનોલની માત્રા હોવાની પુષ્ટિ થઈ છે.

News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`

Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો

 Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો

Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો

Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો