સુરત: શહેરના ગોડાદરા વિસ્તારમાં મંદિર નજીક રહેતી 26 વર્ષીય ગર્ભવતી મહિલા રાની રાકેશ માળીના સારવાર દરમિયાન મોતની ઘટનાથી પરિવારજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે. મહિલાના મોત સાથે તેના ગર્ભમાં રહેલા બાળકનું પણ મૃત્યુ થતાં પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
મળતી માહિતી મુજબ, રાની માળીને 18 તારીખે સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. સારવાર દરમિયાન તેમની તબિયતમાં અચાનક લથડાટ આવતા તેમને ઓક્સિજન માસ્ક લગાવવામાં આવ્યો હતો. જોકે, સ્થિતિમાં સુધારો થાય તે પહેલાં જ તેમનું મોત થયું હતું.
આ ઘટનામાં સૌથી કરુણ બાબત એ રહી કે સારવાર દરમિયાન ગર્ભવતી મહિલા અને તેના ગર્ભમાં રહેલા બાળક બંનેના મોત થયા હતા. ઘટનાની જાણ થતાં પરિવારજનોમાં ભારે આક્રોશ ફેલાયો હતો.
પરિવારજનોએ હોસ્પિટલના તબીબો અને સ્ટાફ સામે ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે મહિલાની તબિયત અંગે યોગ્ય સમયે પૂરતું ધ્યાન આપવામાં આવ્યું ન હતું અને સારવારમાં બેદરકારી દાખવવામાં આવી હોવાની તેમને શંકા છે.
મહિલાના મોત બાદ પરિવારજનો હોસ્પિટલ પરિસરમાં એકત્ર થતાં ભારે હોબાળો થયો હતો. સમગ્ર મામલે પરિવારજનોએ ઘટનાની યોગ્ય તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.
હાલ આ ઘટનાને લઈને પરિવારના આક્ષેપો સામે હોસ્પિટલ તરફથી સત્તાવાર સ્પષ્ટતા શું આવે છે અને સમગ્ર મામલે તપાસમાં શું બહાર આવે છે, તેના પર સૌની નજર છે.







