મોરબી-માળિયા નેશનલ હાઈવે પર ધ ફર્ન હોટલ નજીક એક વર્ના કાર પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનાને પગલે હાઈવે પર થોડા સમય માટે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.
અકસ્માતગ્રસ્ત કારમાં દારૂનો જથ્થો
અકસાન્તગ્રસ્ત કારની તપાસ દરમિયાન તેમાં દેશી દારૂનો જથ્થો હોવાનું સામે આવ્યું હોવાના અહેવાલ છે. કાર પલટી જતા દારૂનો જથ્થો રોડ પર વેરવિખેર પડેલો જોવા મળ્યો હતો.
ઘટનાની જાણ થતાં મોરબી બી ડિવિઝન પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. પોલીસ દ્વારા અકસ્માતગ્રસ્ત કાર તથા તેમાં મળી આવેલા દારૂના જથ્થા અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે.
દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો હતો, કારમાં કોણ સવાર હતું અને તેને ક્યાં લઈ જવામાં આવી રહ્યો હતો તે સહિતના મુદ્દાઓ અંગે પોલીસ તપાસ બાદ વધુ વિગતો સામે આવી શકે છે.
પોલીસ તપાસ બાદ વધુ વિગતો સામે આવશે
હાલ સમગ્ર મામલે મોરબી બી ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી છે. અકસ્માત પાછળનું ચોક્કસ કારણ તેમજ દારૂના જથ્થા અંગેની કાયદેસરની કાર્યવાહી તપાસ પૂર્ણ થયા બાદ સ્પષ્ટ થશે.







