ધોરાજી-ઉપલેટા: સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ખાસ કરીને ધોરાજી-ઉપલેટા પંથકમાં ઊભા પાકને પૂરતા વરસાદની જરૂરિયાત વચ્ચે વરસાદની અછત સર્જાતા પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતોમાં જોવા મળી રહી છે.
આ સ્થિતિ વચ્ચે પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખીને ખેડૂતોના પાકને બચાવવા તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરી છે.
સૌરાષ્ટ્રમાં કૃત્રિમ વરસાદનો પ્રયોગ કરવાની રજૂઆત
લલિત વસોયાએ સરકાર સમક્ષ વિજ્ઞાન અને આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને સૌરાષ્ટ્રમાં તાત્કાલિક કૃત્રિમ વરસાદનો પ્રયોગ હાથ ધરવાની રજૂઆત કરી છે. તેમના જણાવ્યા મુજબ હાલ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને આવી સ્થિતિમાં કૃત્રિમ વરસાદનો પ્રયોગ કરવામાં આવે તો સફળતાની શક્યતા રહે છે.
વરસાદની ખેંચ અને ‘અલ નીનો’ની અસર વચ્ચે ખેડૂતોના ઊભા પાક પર સંકટ ઊભું થયું હોવાનો વસોયાએ ઉલ્લેખ કર્યો છે. ખાસ કરીને મગફળી, કપાસ, સોયાબીન અને તુવેર જેવા પાકને બચાવવા તાત્કાલિક સરકારી પગલાં જરૂરી હોવાનું તેમણે જણાવ્યું છે.
કૂવા-બોરની સુવિધા વગરના ખેડૂતો માટે ખાસ માંગ
પૂર્વ ધારાસભ્યે એવી પણ માંગ કરી છે કે જે ખેડૂતો પાસે સિંચાઈ માટે કૂવા કે બોરની સુવિધા ઉપલબ્ધ નથી, તેમના પાકને બચાવવા સરકાર દ્વારા તાત્કાલિક નિર્ણય લેવામાં આવે.
વસોયાના મતે વરસાદની અછત લાંબી ચાલે તો ખેડૂતોને મોટું નુકસાન સહન કરવું પડી શકે છે. તેથી સરકાર દ્વારા પરંપરાગત ઉપાયો સાથે આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને કૃષિ પાકને બચાવવા ઝડપથી નિર્ણય લેવો જરૂરી છે.
હવે સૌરાષ્ટ્રમાં કૃત્રિમ વરસાદ અંગે સરકાર શું નિર્ણય લે છે અને ખેડૂતોને વરસાદની ખેંચમાંથી રાહત આપવા કયા પગલાં લેવામાં આવે છે તેના પર ખેડૂતોની નજર છે.







