દિલ્હીમાં પેલેટ ગનના ઉપયોગને લઈને રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી શુક્રવારે પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જંતર-મંતર ખાતે થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન પેલેટ ગનના ઉપયોગ અંગે FIR નોંધવાની માંગ સાથે તેમણે પોલીસ સમક્ષ રજૂઆત કરી હતી.
રાહુલ ગાંધી FIR નોંધવાની માંગને લઈને પોલીસ સ્ટેશનમાં જ ધરણા પર બેસી ગયા હતા. જ્યાં સુધી કેસ નોંધવામાં નહીં આવે ત્યાં સુધી સ્થળ છોડશે નહીં તેવી વાત તેમણે કરી હતી.
આખરે દિલ્હી પોલીસે પેલેટ ગન મામલે FIR નોંધવાની કાર્યવાહી હાથ ધરી હતી.
કઈ કલમો હેઠળ કેસ નોંધાયો?
મળતી માહિતી પ્રમાણે પોલીસ દ્વારા આ મામલે IPCની કલમ 118 અને 125 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ કલમો ખતરનાક હથિયાર અથવા સાધનથી ઈજા પહોંચાડવા તથા અન્ય વ્યક્તિના જીવન કે વ્યક્તિગત સુરક્ષાને જોખમમાં મૂકતા કૃત્યો સાથે સંબંધિત છે.
FIR નોંધાયા બાદ રાહુલ ગાંધીએ તેને ન્યાય તરફનું પ્રથમ પગલું ગણાવ્યું હતું.
રાહુલ ગાંધીનો ગંભીર આરોપ
રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે પેલેટ ગનથી ઈજાગ્રસ્ત થયેલા યુવકના શરીરમાં હજુ પણ પેલેટ્સ હોવાનું કહેવાય છે. તેમણે યુવકની આંખ અને શરીરના અન્ય ભાગોમાં ઈજા થયાનો ઉલ્લેખ કરતા સમગ્ર ઘટનાની ગંભીર તપાસની માંગ કરી.
રાહુલ ગાંધીના જણાવ્યા અનુસાર, યુવકની આંખમાં પેલેટ વાગવાથી તેની દૃષ્ટિ પર ગંભીર અસર થઈ છે. તેમણે આ ઘટનાને અન્યાય ગણાવીને જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
તેમણે એવો પણ આક્ષેપ કર્યો કે FIR નોંધાવવા માટે પરિવારને લાંબા સમય સુધી રાહ જોવી પડી.
કોંગ્રેસે દિલ્હી પોલીસ સામે ઉઠાવ્યા સવાલ
કોંગ્રેસે આ મામલે સરકાર અને દિલ્હી પોલીસ સામે સવાલો ઉઠાવ્યા હતા. પાર્ટીએ ખાસ કરીને વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ સામે પેલેટ ગનનો ઉપયોગ કરવાનો આદેશ કોણે આપ્યો હતો? તે અંગે જવાબ માંગ્યો હતો.
કોંગ્રેસના નેતાઓએ આ મામલે જવાબદારી નક્કી કરવા અને સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવાની માગ કરી છે.
ક્રાઈમ બ્રાન્ચ કરી રહી છે તપાસ
પોલીસ તરફથી મળતી માહિતી અનુસાર ફરિયાદ સ્વીકાર્યા બાદ મામલાની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. આ ઉપરાંત સમગ્ર ઘટનાની તપાસ માટે સુપ્રીમ કોર્ટની ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરવામાં આવી હોવાનું પણ જણાવાયું છે.
હવે તપાસ દરમિયાન પેલેટ ગનના ઉપયોગની પરિસ્થિતિ, જવાબદારી અને ઘટનાક્રમ અંગે વધુ વિગતો સામે આવવાની શક્યતા છે.
અગાઉ પણ રાહુલ ગાંધીને અટકાવવામાં આવ્યા હતા
આ મામલે રાહુલ ગાંધી અગાઉ પણ વિરોધ નોંધાવી ચૂક્યા છે. તેઓ વડાપ્રધાનના નિવાસસ્થાનની બહાર ધરણા પર બેઠા હતા, જ્યાંથી પોલીસે તેમને અટકાયતમાં લીધા હતા અને બાદમાં છત્રસાલ સ્ટેડિયમ લઈ જવામાં આવ્યા હતા. આ દરમિયાન કોંગ્રેસના અન્ય નેતાઓ પણ રાહુલ ગાંધીના સમર્થનમાં ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`
Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો
Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો
Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો
Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો







