અમરેલી: જિલ્લાના ધોળકિયા વિસ્તારમાં જળસંચયની દિશામાં મહત્વપૂર્ણ કામગીરી પૂર્ણ થઈ છે. રૂ.4 કરોડથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવેલું ગુજરાત ગૌરવ સરોવર હવે લોકાર્પણ માટે સજ્જ છે. આગામી 27 ઓગસ્ટના રોજ સવારે 10 વાગ્યે લાઠી ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે સરોવરનું લોકાર્પણ કરવામાં આવશે.

લોકાર્પણના કાર્યક્રમને લઈને સ્થાનિક સ્તરે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ચોમાસાની સિઝનમાં સારો વરસાદ પડતાં સરોવર પાણીથી ભરાઈ ગયું છે. જેના કારણે લોકાર્પણ પૂર્વે જ ગુજરાત ગૌરવ સરોવરનું આકર્ષક સ્વરૂપ સામે આવ્યું છે.

ડ્રોન કેમેરાથી લેવામાં આવેલા સરોવરના આકાશી દૃશ્યોમાં પાણીથી છલોછલ જળાશય અને તેની આસપાસનો કુદરતી વિસ્તાર નજરે પડે છે. આ સુંદર નજારો સોશિયલ મીડિયા અને સ્થાનિક લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.