કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગામી 27 ઓગસ્ટે અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દુધાળા-હેતની હવેલી ખાતે યોજાનારા તળાવના લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપવાના છે. ગૃહમંત્રીના પ્રવાસને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવામાં આવી છે.
અમિત શાહને Z+ CRPF સ્તરની સુરક્ષા પ્રાપ્ત હોવાથી કાયદો-વ્યવસ્થા અને મહાનુભાવની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમરેલીના જિલ્લા મેજિસ્ટ્રેટ વિકલ્પ ભારદ્વાજ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023ની કલમ 163 હેઠળ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
આ જાહેરનામા અંતર્ગત દુધાળા વિસ્તારમાં નિર્ધારિત વિસ્તારને ‘No-Fly Zone’ જાહેર કરવામાં આવ્યો છે.
2 કિલોમીટર વિસ્તારમાં ઉડ્ડયન પર પ્રતિબંધ
જાહેરનામા મુજબ 27 ઓગસ્ટના રોજ લાઠી તાલુકાના દુધાળા-હેતની હવેલી ખાતે આવેલા ફુલીબા ક્રિકેટ સ્ટેડિયમ હેલીપેડ, સભા સ્થળ, હેતની હવેલી, બાનું ઘર અને ગુજરાત ગૌરવ સરોવર સહિતના કાર્યક્રમ સ્થળોની આસપાસના 2 કિલોમીટરની ત્રિજ્યામાં સત્તાવાર મંજૂરી વિના કોઈપણ પ્રકારના એરક્રાફ્ટના ઉડ્ડયન અથવા ઉતરાણ પર પ્રતિબંધ રહેશે.
આ પ્રતિબંધમાં ખાસ કરીને ડ્રોન, હેલિકોપ્ટર, ફ્લાઇટ અને ટ્રેઇની એરક્રાફ્ટનો સમાવેશ થાય છે.
કેટલાક સત્તાવાર ઉડ્ડયનને મુક્તિ
જાહેરનામામાં કેટલાક સત્તાવાર ઉડ્ડયનને પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે. તેમાં કેન્દ્રીય ગૃહમંત્રીનું હેલિકોપ્ટર/ચોપર, અતિથિ વિશેષોના સત્તાવાર હેલિકોપ્ટર તેમજ ખાસ ફરજ પરના અધિકારીઓના ડ્રોન-ચોપરનો સમાવેશ થાય છે.
આ વ્યવસ્થા મહાનુભાવના પ્રવાસ દરમિયાન સુરક્ષા વ્યવસ્થા જાળવવા અને કોઈપણ અનિચ્છનીય ઘટના અટકાવવાના હેતુથી કરવામાં આવી છે.
નિયમનો ભંગ કરશો તો કાયદેસરની કાર્યવાહી
જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા મુજબ No-Fly Zoneના નિયમોનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. નિયમોનો ભંગ કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 223 હેઠળ કાર્યવાહી કરવાની જોગવાઈ કરવામાં આવી છે. આ નિર્ણય બાદ 27 ઓગસ્ટે દુધાળા-હેતની હવેલી વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા પર વહીવટી તંત્ર અને પોલીસની વિશેષ નજર રહેશે.
News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`
Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો
Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો
Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો
Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો







