ચાંપાથળ ગામે શેત્રુંજી નદીમાં કથિત ગેરકાયદેસર રેતી ખનનના મુદ્દે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. નદીના પટમાં થઈ રહેલા રેતી ખનનને તાત્કાલિક બંધ કરાવવાની માંગ સાથે ગ્રામજનોએ અમરેલી જિલ્લા કલેક્ટર અને ખાણ-ખનિજ વિભાગને આવેદનપત્ર આપ્યું છે.

ગ્રામજનોનો આક્ષેપ છે કે શેત્રુંજી નદીમાં JCB, હિટાચી સહિતની મશીનરી અને ઓવરલોડ ડમ્પરોની મદદથી રેતી ખનન કરવામાં આવી રહ્યું છે. આ પ્રકારના ખનનને કારણે નદી અને આસપાસના કુદરતી સંસાધનોને નુકસાન થવાની ભીતિ પણ ગ્રામજનોએ વ્યક્ત કરી છે.

ભારે વાહનોના કારણે બાળકોની સુરક્ષાની ચિંતા

ગ્રામજનોના જણાવ્યા મુજબ રેતી ભરેલા ભારે વાહનો ગામના પાદરમાંથી પસાર થતા હોવાથી સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ખાસ કરીને શાળાએ જતા બાળકોની સુરક્ષા અંગે ગ્રામજનોએ ચિંતા વ્યક્ત કરી છે.

નદીના પટમાં આડેધડ ખનન થવાથી જમીનના સ્તર અને ભૂગર્ભ જળસ્તર પર પણ વિપરીત અસર થવાની શક્યતા હોવાનો ગ્રામજનોનો આક્ષેપ છે.

ખાણ-ખનિજ કચેરી બહાર રામધૂન બોલાવી વિરોધ

રેતીચોરીના આક્ષેપોને લઈને ગ્રામજનોએ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. ખાણ-ખનિજ કચેરીની બહાર ગ્રામજનોએ રામધૂન બોલાવીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.

ગ્રામજનોએ માંગ કરી છે કે નદીમાં રેતી ખનન માટે ઉપયોગમાં લેવાતી મશીનરી અને ડમ્પરોની તપાસ કરવામાં આવે અને જો ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે આવે તો જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે.

 અવાજ ઉઠાવનારને ધાકધમકીનો પણ આક્ષેપ

ગ્રામજનોએ વધુ એક ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું છે કે રેતીચોરી સામે અવાજ ઉઠાવનારા લોકોને ધાકધમકી આપવામાં આવતી હોવાની ફરિયાદો છે. આ મામલે પણ તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જોકે, આ તમામ આક્ષેપો ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા છે અને તેની સત્તાવાર પુષ્ટિ તપાસ બાદ જ થઈ શકે છે.

 સાત દિવસમાં કાર્યવાહી નહીં થાય તો આંદોલનની ચીમકી

ગ્રામજનોએ તંત્રને સ્પષ્ટ ચીમકી આપી છે કે સાત દિવસની અંદર નક્કર કાર્યવાહી નહીં કરવામાં આવે તો અમરેલી જિલ્લા કલેક્ટર કચેરી સામે ધરણા, ઉપવાસ અને ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવશે.

હવે શેત્રુંજી નદીમાં રેતી ખનન અંગે કરવામાં આવેલી ફરિયાદ બાદ જિલ્લા વહીવટી તંત્ર અને ખાણ-ખનિજ વિભાગ શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર છે.

News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`

Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો

 Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો

Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો

Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો