અમદાવાદ: દસક્રોઈ તાલુકાના એક ગામમાં રહેતી 16 વર્ષીય સગીરા સાથે કથિત યૌન શોષણ અને તેની જાણ બહાર વીડિયો બનાવવાના આરોપમાં નરોડા પોલીસે એક યુવકની ધરપકડ કરી છે. પરિવારની ફરિયાદના આધારે પોલીસે આરોપી જયદીપ રબારી સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પોલીસ ફરિયાદ મુજબ, સગીરાનો આશરે આઠ મહિના પહેલાં સોશિયલ મીડિયા મારફતે આરોપી યુવક સાથે સંપર્ક થયો હતો. બંને વચ્ચે વાતચીત વધ્યા બાદ યુવકે લગ્ન કરવાની વાત કરી સગીરાને હોટલમાં લઈ ગયો હોવાનો આક્ષેપ છે.
લગ્નની લાલચ અને ધમકીના આક્ષેપ
ફરિયાદમાં જણાવ્યા મુજબ, સગીરા અને આરોપી નાના ચિલોડા વિસ્તારમાં આવેલી એક હોટલમાં ગયા હતા. અહીં લગ્નની વાત કરી આરોપીએ સગીરા સાથે શારીરિક સંબંધ બાંધ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ પછી બંને ફરી હોટલમાં ગયા હતા. બીજી મુલાકાત દરમિયાન લગ્નની વાતને લઈને બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. ફરિયાદ અનુસાર, સગીરા ત્યાંથી બહાર જવાનો પ્રયાસ કરી રહી હતી ત્યારે આરોપીએ તેની સાથે બળજબરી કરી હતી. સગીરાએ પરિવારને આ અંગે જાણ ન કરી હોવાનો ઉલ્લેખ ફરિયાદમાં છે. આરોપીએ ધમકી આપી હોવાના આક્ષેપને કારણે તે ડરી ગઈ હોવાનું પણ સામે આવ્યું છે.
સગીરાનો વીડિયો પરિવાર સુધી પહોંચતા મામલો સામે આવ્યો
કેસમાં સૌથી ગંભીર આક્ષેપ એ છે કે આરોપીએ સગીરાની જાણ બહાર કથિત વીડિયો બનાવી લીધો હતો. બાદમાં આ વીડિયો સગીરાના માતા-પિતા સહિત કેટલાક લોકોને મોકલવામાં આવ્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.
આશરે એક સપ્તાહ પહેલાં વીડિયો પરિવાર સુધી પહોંચ્યા બાદ સગીરાને પૂછવામાં આવ્યું હતું. ત્યારબાદ તેણે પરિવારજનોને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. પરિવારે ત્યારબાદ નરોડા પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ તપાસમાં અન્ય લોકોની ભૂમિકા પણ ચકાસાશે
પોલીસ હાલ સમગ્ર ઘટનાના વિવિધ પાસાઓની તપાસ કરી રહી છે. વીડિયો ક્યારે અને કેવી રીતે બનાવવામાં આવ્યો, તે કોને મોકલાયો તેમજ આ સમગ્ર મામલામાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે નહીં તે સહિતના મુદ્દે તપાસ ચાલી રહી છે.
News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`
Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો
Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો
Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો
Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો







