આગામી તહેવારોની મોસમને ધ્યાનમાં રાખીને નાગરિકોને આવશ્યક ચીજવસ્તુઓ વ્યાજબી ભાવે મળી રહે અને ખાંડની કૃત્રિમ અછત કે સંગ્રહખોરી ન થાય તે માટે સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર સક્રિય બન્યું છે. ખાંડના ભાવમાં વધારાને ધ્યાનમાં રાખીને પુરવઠા વિભાગે જિલ્લામાં જથ્થાબંધ વેપારીઓ અને મોટા વિક્રેતાઓને ત્યાં સઘન તપાસ ઝુંબેશ હાથ ધરી છે.
જિલ્લા કલેક્ટર જી. એચ. સોલંકીના માર્ગદર્શન હેઠળ જિલ્લા પુરવઠા અધિકારી એ. જી. ગજ્જર અને તેમની ટીમ દ્વારા વિવિધ વિસ્તારોમાં તપાસ કરવામાં આવી રહી છે.
ગોડાઉનથી વેપારી મથકો સુધી તપાસ
પુરવઠા વિભાગની ટીમોએ જિલ્લામાં આવેલા વિવિધ ગોડાઉન અને વેપારી મથકોની સ્થળ પર તપાસ કરી હતી. આ દરમિયાન વેપારીઓ પાસે ઉપલબ્ધ ખાંડના જથ્થા ઉપરાંત સ્ટોક સંબંધિત દસ્તાવેજી રેકોર્ડની પણ ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી. તંત્રનો મુખ્ય ઉદ્દેશ સંગ્રહખોરી, કાળાબજારી અને કૃત્રિમ અછત જેવી ગેરરીતિઓ પર નિયંત્રણ મેળવવાનો છે.
4,000 ક્વિન્ટલની મર્યાદા પર નજર
તપાસ દરમિયાન વેપારીઓ દ્વારા નિયત મર્યાદા કરતાં વધુ ખાંડનો જથ્થો સંગ્રહિત કરવામાં આવ્યો છે કે નહીં તેની ખાસ ચકાસણી કરવામાં આવી રહી છે. પુરવઠા વિભાગ દ્વારા 4,000 ક્વિન્ટલથી વધુ જથ્થો સંગ્રહિત છે કે નહીં તેમજ સ્ટોક 30 દિવસથી વધુ સમય માટે જાળવી રાખવામાં આવ્યો છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.
તહેવારો પહેલાં ભાવ નિયંત્રણ પર ફોકસ
આગામી તહેવારો દરમિયાન ખાંડ સહિતની આવશ્યક ચીજવસ્તુઓની માંગમાં વધારો થવાની શક્યતા રહે છે. આવી સ્થિતિમાં કૃત્રિમ અછત ઊભી કરીને ભાવ વધારવાનો પ્રયાસ ન થાય તે માટે તંત્ર દ્વારા આગોતરી તકેદારી રાખવામાં આવી રહી છે.વેપારીઓને ખાંડના સંગ્રહ અને વેચાણ સંબંધિત નિયમોનું પાલન કરવા સૂચના આપવામાં આવી છે.
ગેરરીતિ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી
પુરવઠા વિભાગે તમામ વેપારીઓને કેન્દ્ર અને રાજ્ય સરકારના ખાંડ નિયંત્રણ સંબંધિત કાયદા તથા નિયમોનું કડક પાલન કરવા આદેશ આપ્યો છે.તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે જિલ્લામાં સંગ્રહખોરી, કાળાબજારી અથવા અન્ય ગેરરીતિ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.તહેવારો પહેલાં શરૂ થયેલી આ તપાસ ઝુંબેશથી ખાંડના ભાવ અને બજારમાં ઉપલબ્ધ સ્ટોક પર તંત્રની નજર વધુ કડક બની છે.
News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`
Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો
Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો
Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો
Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો







