સુરેન્દ્રનગર જિલ્લાના તરણેતર ખાતે યોજાતા લોકમેળા દરમિયાન રમતપ્રેમીઓ માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. 14થી 16 સપ્ટેમ્બર 2026 દરમિયાન 21મી ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવશે. જિલ્લા રમત વિકાસ અધિકારી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર લીંબડી અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સહયોગથી આ રમતોત્સવ યોજાશે.
આ સ્પર્ધામાં અલગ-અલગ વયજૂથ ઉપરાંત ઓપન કેટેગરીમાં ભાઈઓ અને બહેનો માટે અનેક રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
16 વર્ષ સુધીના બાળકો માટે પણ વિવિધ સ્પર્ધા
ગ્રામીણ ઓલિમ્પિકના પ્રથમ દિવસે એટલે કે 14 સપ્ટેમ્બરે 16 વર્ષ સુધીના છોકરાઓ અને છોકરીઓ માટે 100 મીટર, 200 મીટર અને 800 મીટરની દોડ તેમજ લાંબી કૂદ યોજાશે.
આ ઉપરાંત ઓપન કેટેગરીમાં 100 મીટર, 400 મીટર અને 800 મીટર દોડ, ગોળાફેંક, લાંબી કૂદ અને 4×100 મીટર રિલે જેવી એથ્લેટિક્સ સ્પર્ધાઓ પણ યોજાશે. 12 વર્ષ સુધીના બાળકો માટે 9 ખેલાડીઓની ટીમ સાથે લંગડીની સ્પર્ધા પણ રાખવામાં આવી છે.
બીજા દિવસે કબડ્ડી, વોલીબોલ અને સ્ટ્રોન્ગેસ્ટમેન
15 સપ્ટેમ્બરે ઓપન કેટેગરીની બહેનો માટે 50 મીટરની માટલા દોડ સાથે 10 ખેલાડીઓની ટીમની વોલીબોલ અને કબડ્ડી સ્પર્ધા યોજાશે.
ભાઈઓની ઓપન કેટેગરીમાં નારિયેળ ફેંક, વોલીબોલ, કબડ્ડી, સ્ટ્રોન્ગેસ્ટમેન અને ખાંડના લાડવા ખાવાની હરીફાઈ જેવી પરંપરાગત તેમજ મનોરંજક સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ દિવસે સાતોડી (નારગોલ)ની સ્પર્ધા પણ યોજાશે.
ત્રીજા દિવસે કુસ્તી અને રસ્સાખેંચનો રોમાંચ
16 સપ્ટેમ્બરે 16 વર્ષ સુધીના બાળકો માટે દોરડાકૂદની સ્પર્ધા યોજાશે. ઓપન કેટેગરીના ભાઈઓ માટે કુસ્તી અને રસ્સાખેંચ મુખ્ય આકર્ષણ રહેશે. કુસ્તીમાં 45થી 55 કિલો, 55થી 68 કિલો અને 68 કિલોથી વધુ વજનના ત્રણ વર્ગ રાખવામાં આવ્યા છે. જ્યારે રસ્સાખેંચ માટે 10 ખેલાડીઓની ટીમ ભાગ લઈ શકશે.
10 સપ્ટેમ્બર સુધીમાં ફોર્મ મોકલવાનું રહેશે
રમતવીરો માટે મહત્વની વાત એ છે કે સ્પર્ધામાં ભાગ લેવા માટે 10 સપ્ટેમ્બર 2026 સુધીમાં એન્ટ્રી ફોર્મ મોકલવાનું રહેશે.
ફોર્મ જિલ્લા રમત વિકાસ અધિકારી, સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, કૃષ્ણાનગર સામે, મીલ રોડ, લીંબડી, સુરેન્દ્રનગર-363421 ખાતે પોસ્ટ દ્વારા મોકલી શકાશે. ઉપરાંત dsdo-surendranagar@gujarat.gov.in પર ઈ-મેઈલથી પણ અરજી કરી શકાશે. 12 અને 16 વર્ષથી ઓછી ઉંમરના વિદ્યાર્થીઓએ પોતાના શાળાના આચાર્યની સહી અને સિક્કા સાથે ફોર્મ જમા કરાવવાનું રહેશે.
ગુજરાતના રમતવીરો માટે મોટી તક
તરણેતર લોકમેળાની સાથે યોજાનારી આ ગ્રામીણ ઓલિમ્પિકમાં પરંપરાગત રમતો સાથે એથ્લેટિક્સ અને ટીમ ગેમ્સનો પણ સમાવેશ કરાયો છે. ત્રણ દિવસ ચાલનારી આ સ્પર્ધા દરમિયાન રાજ્યભરના યુવા ખેલાડીઓ અને ઓપન કેટેગરીના રમતવીરોને પોતાની પ્રતિભા દર્શાવવાની તક મળશે.
News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`
Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો
Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો
Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો
Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો







