નિકેત સંઘાણી, અમરેલી : ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ અમરેલીની શ્રી નૂતન હાઈસ્કૂલ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં ભવ્ય ‘એટ હોમ’ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યના મંત્રીમંડળના સભ્યો, સાંસદો, ધારાસભ્યો, વરિષ્ઠ અધિકારીઓ, પદાધિકારીઓ અને વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના આગમન સાથે પોલીસ બેન્ડની સુરાવલીઓ અને ગાર્ડ ઓફ ઓનરથી થઈ હતી. ત્યારબાદ પોલીસ બેન્ડ દ્વારા રાષ્ટ્રગાનની ધૂન રજૂ કરવામાં આવી હતી.
સ્વાતંત્ર્ય સેનાનીઓને રાજ્યપાલે શ્રદ્ધાંજલિ અર્પી
‘એટ હોમ’ કાર્યક્રમ દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે દેશની આઝાદી માટે બલિદાન આપનારા જ્ઞાત-અજ્ઞાત ક્રાંતિવીરોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, લાખો સ્વાતંત્ર્ય સેનાનીઓના અપ્રતિમ સમર્પણ અને શહાદતના પરિણામે દેશને સ્વતંત્રતા પ્રાપ્ત થઈ છે.
તેમણે જણાવ્યું કે, ક્રાંતિવીરોએ જે સમૃદ્ધ અને સક્ષમ ભારતનું સ્વપ્ન જોયું હતું તે આજે સાકાર થઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત ઈન્ફ્રાસ્ટ્રક્ચર, શિક્ષણ, રેલવે, ઉદ્યોગ સહિતના વિવિધ ક્ષેત્રોમાં ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે.
‘વિકસિત ભારત 2047’માં ગુજરાત પ્રથમ રાજ્ય બનશે: રાજ્યપાલ
ગુજરાતના વિકાસ અંગે વાત કરતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગુજરાતના સર્વાંગી વિકાસની પ્રશંસા કરી હતી. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ગુજરાત ‘વિકસિત ભારત 2047’નું લક્ષ્ય પ્રાપ્ત કરનારું દેશનું પ્રથમ રાજ્ય બનશે.
રાજ્યપાલે દેશના વિકાસમાં વિઘટનકારી શક્તિઓ દ્વારા ઊભા થતા અવરોધો સામે નાગરિકોને જાગૃત અને સંગઠિત રહેવા આહવાન કર્યું હતું. દેશની વિકાસગતિ જળવાઈ રહે તે માટે દરેક નાગરિકે પોતાની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવવી જરૂરી હોવાનું તેમણે જણાવ્યું હતું.
‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના મંત્ર સાથે એકતા જાળવવા અપીલ
વિભાજન દરમિયાન નિર્દોષ નાગરિકોએ ભોગવેલી પીડાનો ઉલ્લેખ કરતાં રાજ્યપાલે દેશની એકતા અને અખંડિતતા જાળવવા પર ભાર મૂક્યો હતો.
સરદાર વલ્લભભાઈ પટેલના અખંડ ભારતના સંકલ્પ અને ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના મંત્રને યાદ કરીને તેમણે ખેડૂતો, સરકારી કર્મચારીઓ, જનપ્રતિનિધિઓ સહિત સમાજના તમામ વર્ગોને નિષ્ઠા, પ્રામાણિકતા અને દેશભક્તિ સાથે પોતાની ફરજો નિભાવવા અપીલ કરી હતી.
પ્રાકૃતિક કૃષિ હાટની મુલાકાત
આ પ્રસંગે રાજ્યપાલે પ્રાકૃતિક કૃષિકારો દ્વારા પ્રદર્શિત ‘પ્રાકૃતિક કૃષિ હાટ’ની મુલાકાત લીધી હતી. તેમણે ખેડૂતો સાથે ખેતી પદ્ધતિ અંગે સંવાદ કર્યો હતો અને વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે પ્રોત્સાહિત કર્યા હતા.
કાર્યક્રમ દરમિયાન સ્થાનિક કલાકારો દ્વારા રજૂ કરાયેલા દેશભક્તિના ગીતોથી સમગ્ર વાતાવરણ રાષ્ટ્રપ્રેમની ભાવનાથી ગુંજી ઉઠ્યું હતું.
અમરેલીમાં ‘એટ હોમ’ કાર્યક્રમની ભવ્ય પરંપરા
ઉલ્લેખનીય છે કે, નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ ‘એટ હોમ’ સમારોહ યોજવાની પરંપરા શરૂ થઈ હતી. આજે આ પરંપરા ગુજરાતની આગવી ઓળખ બની છે અને અન્ય રાજ્યો માટે પણ પ્રેરણારૂપ સાબિત થઈ છે.
કાર્યક્રમના અંતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉપસ્થિત મહાનુભાવો તથા અગ્રગણ્ય નાગરિકો સાથે સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છાઓનું આદાન-પ્રદાન કર્યું હતું.
આ પ્રસંગે કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી, ઊર્જા અને કાયદો રાજ્યમંત્રી કૌશિક વેકરીયા, જિલ્લા પંચાયત પ્રમુખ દક્ષાબેન ચોડવાડિયા, નગરપાલિકા પ્રમુખ વૈશાલીબેન માંગરોળીયા, સાંસદ પરશોત્તમ રૂપાલા અને ભરત સુતરિયા, ધારાસભ્ય મહેશ કસવાલા અને જનક તળાવિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત મુખ્ય સચિવ મનોજ કુમાર દાસ, અધિક મુખ્ય સચિવ અંજુ શર્મા, પોલીસ મહાનિર્દેશક જી.એસ. મલિક, જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ, ડી.ડી.ઓ. એચ.જે. પ્રજાપતિ, જિલ્લા પોલીસ વડા સંજય ખરાત સહિત પદાધિકારીઓ, એક્સ-આર્મીમેન, રમતવીરો, ખેડૂતો અને સમાજના શ્રેષ્ઠીઓ પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.
News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`
Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો
Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો
Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો
Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો







