અમરેલી, 15 ઓગસ્ટ 2026: 80મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે અમરેલીના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે દેશભક્તિસભર સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે પોલીસ દળના સાહસ, શૌર્ય અને કૌશલ્યનું જીવંત પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ અને દિલધડક સાહસિક પ્રદર્શનોને જોઈ આબાલવૃદ્ધ રોમાંચિત થયા હતા.

‘મારું અમરેલી’એ દર્શાવી સ્થાનિક અસ્મિતા

સમારોહની શરૂઆતમાં વિદ્યાસભાના વિદ્યાર્થીઓ દ્વારા ‘મારું અમરેલી’ થીમ આધારિત મનમોહક સાંસ્કૃતિક કૃતિ રજૂ કરવામાં આવી હતી.

આ કૃતિ દ્વારા અમરેલીની સ્થાનિક અસ્મિતા, સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો અને ગૌરવને સુંદર રીતે રજૂ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓની આ પ્રસ્તુતિને ઉપસ્થિત પ્રેક્ષકોએ તાળીઓના ગડગડાટથી વધાવી હતી. ત્યારબાદ આઝાદીના મહાપર્વને સમર્પિત ‘સ્વાતંત્ર્ય પર્વ’ થીમ આધારિત મલ્ટીમીડિયા પ્રદર્શન પણ રજૂ કરવામાં આવ્યું હતું.

આદિવાસી બાલિકાઓનું બેગપાઇપર બેન્ડ બન્યું મુખ્ય આકર્ષણ

કાર્યક્રમનું વિશેષ આકર્ષણ અંબાજીના શ્રી શક્તિ સેવા કેન્દ્ર દ્વારા રજૂ કરવામાં આવેલું ગુજરાતનું પ્રથમ આદિજાતિ બાલિકાઓનું બેગપાઇપર બેન્ડ રહ્યું હતું.

આદિવાસી દીકરીઓએ શિસ્તબદ્ધ રીતે બેગપાઇપર વાદન રજૂ કરીને પોતાના અદ્ભુત તાલમેલ અને કૌશલ્યથી સૌનું ધ્યાન ખેંચ્યું હતું. તેમની પ્રસ્તુતિ દરમિયાન સમગ્ર પરેડ ગ્રાઉન્ડ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું હતું.

મહિલા પોલીસની રાઇફલ ડ્રિલે વધાર્યો રોમાંચ

સાંસ્કૃતિક કાર્યક્રમો બાદ પોલીસ વિભાગ દ્વારા સાહસ અને શૌર્યના વિવિધ પ્રદર્શનો યોજાયા હતા. મહિલા પોલીસ જવાનો દ્વારા યોગ નિદર્શન રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં શારીરિક સુદૃઢતા અને મહિલા સશક્તિકરણનો સંદેશ આપવામાં આવ્યો હતો.

ત્યારબાદ મહિલા રાઇફલ ડ્રિલ દ્વારા મહિલા પોલીસ જવાનોએ અચૂક નિશાન, શિસ્ત અને તાલીમનું શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ પ્રસ્તુતિએ ભારતીય નારીના સાહસ, શક્તિ અને આત્મવિશ્વાસનો પરિચય કરાવ્યો હતો.

દિલધડક મોટરસાયકલ સ્ટંટ જોઈ પ્રેક્ષકો અચંબિત

પોલીસ જવાનો દ્વારા રજૂ કરવામાં આવેલો મોટરસાયકલ સ્ટંટ શો કાર્યક્રમનું અન્ય એક મોટું આકર્ષણ બન્યો હતો. જવાનો દ્વારા હિંમત, ચોકસાઈ, સંતુલન અને તાલીમનું અદ્ભુત પ્રદર્શન કરવામાં આવ્યું હતું. દિલધડક કરતબો જોઈને ઉપસ્થિત પ્રેક્ષકો અચંબિત થઈ ગયા હતા અને તાળીઓના ગડગડાટથી જવાનોનો ઉત્સાહ વધાર્યો હતો.

ડોગ શોમાં તાલીમબદ્ધ શ્વાનોએ બતાવ્યું કૌશલ્ય

ડોગ સ્ક્વોડના તાલીમબદ્ધ શ્વાનો દ્વારા પણ ખાસ પ્રદર્શન યોજાયું હતું. શ્વાનોએ માદક દ્રવ્યોની શોધખોળ તેમજ ગુનાની તપાસમાં ઉપયોગી વિવિધ ક્ષમતાઓનું પ્રદર્શન કર્યું હતું. તાલીમબદ્ધ શ્વાનોના કરતબો જોઈને બાળકો સહિત મોટી સંખ્યામાં હાજર લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી.

 

અશ્વ શોએ પણ મંત્રમુગ્ધ કર્યા

પોલીસના અશ્વદળ દ્વારા રજૂ કરવામાં આવેલા અશ્વ શોમાં ઘોડાઓની શિસ્ત, તાલીમ અને સાહસપૂર્ણ કરતબો રજૂ કરવામાં આવ્યા હતા. અશ્વદળની હેરતઅંગેજ પ્રસ્તુતિએ પણ પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

અમરેલીનો સ્વાતંત્ર્ય પર્વ બન્યો યાદગાર

સાંસ્કૃતિક વારસો, દેશભક્તિ, મહિલા શક્તિ, પોલીસનું શૌર્ય અને સાહસિક પ્રદર્શનોના અનોખા સંગમથી અમરેલી ખાતે યોજાયેલો 80મા સ્વાતંત્ર્ય પર્વનો આ કાર્યક્રમ યાદગાર બની રહ્યો હતો. ‘મારું અમરેલી’થી લઈને આદિવાસી બાલિકાઓના બેગપાઇપર બેન્ડ અને પોલીસના રાઇફલ ડ્રિલ, મોટરસાયકલ સ્ટંટ, ડોગ શો અને અશ્વ શો સુધીની વિવિધ પ્રસ્તુતિઓએ સમગ્ર કાર્યક્રમને અવિસ્મરણીય બનાવી દીધો હતો.

News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`

Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો

 Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો

Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો

Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો