અમરેલી જિલ્લાના લીલીયા તાલુકામાં કથિત ગેરકાયદેસર દારૂના વેચાણ અને રેતી ખનનના મુદ્દે હવે રાજકીય અને વહીવટી ચર્ચા તેજ બની છે. ભાજપના પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય વિપુલ દુધાતે મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરીને લીલીયા તાલુકાની સ્થિતિ અંગે ગંભીર આક્ષેપો કર્યા છે.

વિપુલ દુધાતે પોતાની રજૂઆતમાં દાવો કર્યો છે કે લીલીયા શહેરમાં વિવિધ સ્થળોએ દારૂનું વેચાણ થતું હોવાના આક્ષેપો છે, જ્યારે તાલુકાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં રેતી ખનન ચાલી રહ્યું છે.

‘દારૂબંધી અને રેતી ખનન માત્ર કાગળ પર’

મુખ્યમંત્રીને લખાયેલા પત્રમાં વિપુલ દુધાતે જણાવ્યું છે કે રાજ્યમાં દારૂબંધી અને ગેરકાયદેસર રેતી ખનન સામે સરકાર તથા ઉચ્ચ અધિકારીઓ દ્વારા વારંવાર સૂચનાઓ આપવામાં આવે છે. તેમ છતાં લીલીયા શહેર અને તાલુકાના કેટલાક વિસ્તારોમાં આ પ્રવૃત્તિઓ ચાલુ હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે.

પત્રમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં દારૂના કારણે અનેક પરિવારો પર ગંભીર અસર પડી હોવાનો સ્થાનિક સ્તરે દાવો કરવામાં આવે છે. રેતી ખનન માટે ઉપયોગમાં લેવાતા વાહનોને કારણે પણ લોકો પરેશાન હોવાના આક્ષેપ રજૂ કરવામાં આવ્યા છે.

પોલીસ અને ખાણ-ખનીજ વિભાગ સામે પણ સવાલ

વિપુલ દુધાતે દારૂ અને ગેરકાયદેસર રેતી ખનન જેવી પ્રવૃત્તિઓ સામે પોલીસ તથા ખાણ-ખનીજ તંત્રની કામગીરી અંગે પણ પ્રશ્નો ઉઠાવ્યા છે.

તેમણે મુખ્યમંત્રીને વિનંતી કરી છે કે લીલીયા તાલુકાના વિવિધ વિસ્તારોમાં તપાસ કરવામાં આવે અને જો આક્ષેપો સાચા સાબિત થાય તો જવાબદાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.

પત્રમાં લીલીયા તાલુકાના વિવિધ પોલીસ ચોકી અને વિસ્તારોમાં તપાસ કરાવવાની પણ રજૂઆત કરવામાં આવી હોવાનું દસ્તાવેજ પરથી જણાય છે.

વિપુલ દુધાતની રજૂઆતથી પોલીસ બેડામાં ચર્ચા

વિપુલ દુધાત ભાજપના પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય છે. તેઓ પંચમહાલના પોલીસ અધિક્ષક હરેશ દુધાતના સગા ભાઈ હોવાનો ઉલ્લેખ પણ સામે આવ્યો છે.

એક તરફ પોલીસ વિભાગ ગેરકાયદેસર દારૂ અને રેતી ખનન સામે કાર્યવાહી કરતું હોવાનો દાવો કરે છે, ત્યારે ભાજપ સાથે જોડાયેલા પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય દ્વારા જ આ મુદ્દે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવતા સ્થાનિક રાજકીય અને પોલીસ વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે.

હવે તપાસ અને કાર્યવાહી પર નજર

વિપુલ દુધાતની આ રજૂઆત બાદ મુખ્યમંત્રી કાર્યાલય, પોલીસ તંત્ર અને ખાણ-ખનીજ વિભાગ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર નજર રહેશે.

News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`

Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો

 Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો

Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો

Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો