શ્યામ સેદાણી, અમરેલી: અમરેલીના સમર્થ વ્યાયામ મંદિર ખાતેથી અનુકંપા ફાઉન્ડેશનના નેતૃત્વમાં આયોજિત ‘ટુ વ્હીલર ફોર ટુ’ બાઈક રેલીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. માનવીય સંવેદના, સામાજિક સમરસતા, માર્ગ સુરક્ષા અને પર્યાવરણ રક્ષણના સંદેશ સાથે યોજાયેલી આ રેલીમાં મોટી સંખ્યામાં બાઈક સવારો જોડાયા હતા.
‘ટુ વ્હીલર ફોર ટુ’ પહેલને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આવકારી
રાજ્ય સરકારના માર્ગ સુરક્ષા અભિયાનને વેગ આપવા તેમજ લોકોમાં ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ લાવવાના હેતુથી અનુકંપા ફાઉન્ડેશન દ્વારા આ પહેલ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સામાજિક પહેલને આવકારી તેને માનવીય સંવેદનાનું ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું હતું.
આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ બાઈક પર એક જ વ્યક્તિ સવાર હોય ત્યારે રસ્તા પર ચાલતા જરૂરિયાતમંદ રાહદારીઓ, વૃદ્ધો તેમજ નાના બાળકો સાથે જતી માતાઓને સ્વેચ્છાએ લિફ્ટ આપવાનો છે.
લિફ્ટ આપવાની પ્રક્રિયાને સ્વાભાવિક સામાજિક વ્યવહાર બનાવવાનો સંદેશ
આજની ભાગદોડભરી જિંદગીમાં માનવીય સંવેદનાઓને જીવંત રાખવાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ‘ટુ વ્હીલર ફોર ટુ’ પહેલ શરૂ કરવામાં આવી છે. રસ્તો પૂછવો કે પાણી પીવડાવવું જેટલી જ સ્વાભાવિક રીતે જરૂરિયાતમંદ વ્યક્તિને લિફ્ટ આપવાની સામાજિક ભાવના વિકસે તેવો સંદેશ આ અભિયાન દ્વારા આપવામાં આવ્યો છે.
આ પહેલથી લોકો વચ્ચે સામાજિક સમરસતા અને પરસ્પર સહયોગ વધવાની સાથે ટ્રાફિકની સમસ્યા હળવી થવાની, ઇંધણની બચત થવાની અને પર્યાવરણમાં પ્રદૂષણ ઘટાડવામાં મદદ મળવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.
હજારો બાઈક સવારોએ હેલ્મેટ ઊંચા કરી કર્યું અભિવાદન
રેલીના પ્રસ્થાન સમયે હજારો બાઈક સવારોએ શિસ્તબદ્ધ રીતે પોતાના હેલ્મેટ ઊંચા કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું અભિવાદન કર્યું હતું. રેલીમાં રાષ્ટ્રપ્રેમ અને સામાજિક જાગૃતિનો સંદેશ આપતી ‘ઓપરેશન સિંદૂર’ થીમ પર ખાસ શણગારેલું સ્કૂટર આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
ડૉ. ભરતભાઈ કાનાબારે મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું
કાર્યક્રમના પ્રારંભે અનુકંપા ફાઉન્ડેશનના પ્રમુખ ડૉ. ભરતભાઈ કાનાબારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું શાબ્દિક સ્વાગત કરી મોમેન્ટો અર્પણ કર્યો હતો. તેમણે ‘ટુ વ્હીલર ફોર ટુ’ પહેલ પાછળનો ઉદ્દેશ પણ રજૂ કર્યો હતો.
અનેક મહાનુભાવો અને નાગરિકોની હાજરી
આ પ્રસંગે શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા, ઊર્જા મંત્રી કૌશિક વેકરીયા, સાંસદ ભરત સુતરિયા, ધારાસભ્ય મહેશ કસવાલા, જનક તળાવીયા, અગ્રણી નારણ કાછડીયા, પૂર્વ મંત્રી બાવકુ ઉંધાડ, કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ અને જિલ્લા પોલીસ વડા સંજય ખરાત સહિતના મહાનુભાવો, અધિકારીઓ, મોટી સંખ્યામાં નાગરિકો અને બાઈક સવારો ઉપસ્થિત રહ્યા હતા.
News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`
Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો
Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો
Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો
Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો







