અમરેલી, તાલુકાના સરંભડા ગામે ગેરકાયદેસર રેતી ખનન સામે ગ્રામજનોએ ફરી એકવાર મોરચો સંભાળ્યો છે. ગામની નદીના પટમાંથી ગેરકાયદેસર રીતે રેતી ભરી લઈ જતો એક ડમ્પર સ્થાનિક લોકોએ ઝડપી પાડી તાત્કાલિક 112 ઇમરજન્સી સેવા તેમજ ખાણ-ખનીજ વિભાગને જાણ કરી હતી.
માહિતી મળતા ખાણ-ખનીજ વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ગેરકાયદેસર રેતી પરિવહન અંગે પ્રાથમિક પુરાવા મળતાં ડમ્પર ચાલક સામે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે સરંભડા ગામમાં ગેરકાયદેસર રેતી ખનનનો મુદ્દો નવો નથી. અગાઉ પણ ગ્રામજનોએ નદીના પટમાં રામધુન બોલાવી અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો અને ગેરકાયદેસર ખનન અટકાવવા તંત્ર પાસે માંગણી કરી હતી.
સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે સરંભડા સહિત આસપાસના વિસ્તારોમાં લાંબા સમયથી મોટા પાયે રેતી ચોરી ચાલી રહી છે. ગ્રામજનોનું કહેવું છે કે વારંવાર રજૂઆતો છતાં અસરકારક કાર્યવાહી થતી નથી, જેના કારણે ગેરકાયદેસર પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળી રહ્યું છે.
ગ્રામજનોએ તંત્ર સમક્ષ માંગ કરી છે કે વિસ્તારમાં ગેરકાયદેસર રેતી ખનન અને પરિવહન પર કડક નિયંત્રણ લાવવામાં આવે, સતત પેટ્રોલિંગ કરવામાં આવે અને સંડોવાયેલા તત્વો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે.







