યોગગુરુ બાબા રામદેવે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનને લઈને મોટું નિવેદન આપ્યું છે. રાયપુરના સ્વામી વિવેકાનંદ એરપોર્ટ પર પત્રકારો સાથે વાતચીત દરમિયાન તેમણે દાવો કર્યો કે ભવિષ્યમાં એક સમય એવો આવશે જ્યારે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન ફરી ભારત સાથે જોડાશે. આ માટે તેમણે લોકોને “થોડી ધીરજ” રાખવાની વાત કરી હતી.

બાબા રામદેવનું આ નિવેદન પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી દ્વારા હિન્દુઓ અને ‘અખંડ ભારત’ના વિચારને લઈને કરવામાં આવેલી તાજેતરની ટિપ્પણીના સંદર્ભમાં આવ્યું હતું.

‘ભારતમાં કોઈ ખતરામાં નથી’

રામદેવે કહ્યું કે ભારતમાં હિન્દુ, મુસ્લિમ કે ખ્રિસ્તી કોઈપણ વ્યક્તિને ખતરો નથી. દેશની એકતા, સન્માન અને ગરિમાને જાળવી રાખવા પર તેમણે ભાર મૂક્યો હતો.

પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાયની સ્થિતિ અંગે વાત કરતાં તેમણે ત્યાં હિન્દુઓએ અન્યાય અને મુશ્કેલીઓનો સામનો કર્યો હોવાનો દાવો કર્યો હતો. સાથે જ આવા મુદ્દાઓ માટે જવાબદાર લોકોને ઉશ્કેરણીજનક નિવેદનોથી દૂર રહેવાની અપીલ કરી હતી.

આ દરમિયાન તેમણે કહ્યું કે સમય જતાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન ફરી ભારત સાથે જોડાઈ શકે છે, જોકે તેમણે આ દાવા માટે કોઈ ચોક્કસ સમયગાળો આપ્યો નહોતો.

2047 સુધી વિકસિત ભારત માટે સુધારાની જરૂર

બાબા રામદેવે દેશની આંતરિક વ્યવસ્થાઓને વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. તેમના જણાવ્યા મુજબ સરકારની જવાબદારી માત્ર રાજકીય વ્યવસ્થા સુધી મર્યાદિત નથી, પરંતુ શિક્ષણ, આરોગ્ય, અર્થતંત્ર અને કૃષિ જેવા ક્ષેત્રોમાં પણ સતત સુધારા જરૂરી છે.

તેમણે કહ્યું કે આ ક્ષેત્રોમાં મજબૂત કામગીરી દ્વારા 2047 સુધીમાં વિકસિત ભારતનું લક્ષ્ય હાંસલ કરવામાં મદદ મળી શકે છે.

મહેબૂબા મુફ્તીના નિવેદન પર પણ પ્રતિક્રિયા

બાબા રામદેવે PDP નેતા મહેબૂબા મુફ્તીની ‘માનસિક નક્સલી’ ટિપ્પણી અંગે પણ પ્રતિક્રિયા આપી હતી.

તેમણે કહ્યું કે તેઓ રાજકીય નિવેદનબાજીમાં પડવા માંગતા નથી. જોકે, તેમના મતે બૌદ્ધિક અરાજકતા અથવા દેશને નુકસાન પહોંચાડે તેવી વિચારસરણી લોકશાહી માટે યોગ્ય નથી.

રામદેવે સ્વીકાર્યું કે લોકશાહીમાં દરેક વ્યક્તિને પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવાનો અને સરકારનો વિરોધ કરવાનો અધિકાર છે, પરંતુ આ સ્વતંત્રતાનો ઉપયોગ દેશના હિતને નુકસાન પહોંચાડવા માટે ન થવો જોઈએ.

News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`

Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો

 Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો

Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો

Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો