સ્વાતંત્ર્ય દિવસ અગાઉ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ગોંડલ રોડ હાઇવે પરથી મોટા પ્રમાણમાં વિસ્ફોટક સામગ્રી ઝડપી પાડી હતી. પોલીસે 1500 કિલો જીલેટીન સ્ટિક, 30 બંડલ વાયર અને 4000 ડિટોનેટર સહિત કુલ રૂ. 5.95 લાખનો મુદામાલ કબજે કરી દોલા મીર નામના શખ્સની ધરપકડ કરી હતી.

આ મામલે પોલીસની પૂછપરછ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, વિસ્ફોટક જથ્થો મેંદરડાના મિતુલ પાસેથી લાવવામાં આવ્યો હતો અને તેને સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢના જામવાડી ખાતે રહેતા હીરાભાઈ ઉર્ફે હિરેન અલગોતરને પહોંચાડવાનો હતો.

આ માહિતીના આધારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી હીરાભાઈ ઉર્ફે હિરેન અલગોતરને પણ ઝડપી પાડ્યો છે. આરોપીની ધરપકડ બાદ પોલીસે સમગ્ર મામલે તેની પૂછપરછ શરૂ કરી છે અને વિસ્ફોટક જથ્થો ક્યાંથી આવ્યો, કોને પહોંચાડવાનો હતો તેમજ આ પ્રકરણમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે કેમ તે અંગે તપાસ આગળ ધપાવી છે.

ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સ્વાતંત્ર્ય દિવસ અગાઉ મોટી માત્રામાં વિસ્ફોટક સામગ્રી ઝડપાતા સમગ્ર મામલો પોલીસ તપાસના કેન્દ્રમાં આવ્યો છે.