ગીર પૂર્વ વન વિભાગ દ્વારા અભયારણ્ય અને આસપાસના વિસ્તારોમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. છેલ્લા 4 મહિનામાં વિભાગે વિવિધ પ્રકારના કુલ 75 ગુના નોંધ્યા છે અને નિયમોના ભંગ બદલ ₹13,30,900નો દંડ વસૂલવામાં આવ્યો હોવાનું વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.
વન વિભાગની આ કાર્યવાહી હેઠળ અભયારણ્યમાં ગેરકાયદેસર પ્રવેશ, શિકાર, લાકડાની ગેરકાયદેસર હેરાફેરી તેમજ અન્ય વન્યજીવ અને વન સંરક્ષણ સંબંધિત પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે.
ગેરકાયદેસર પ્રવેશના 38 કેસ નોંધાયા
અભયારણ્ય વિસ્તારમાં પરવાનગી વિના પ્રવેશ કરવાના કુલ 38 ગુના નોંધાયા છે. સંલગ્ન ગુનાઓમાં નિયમ મુજબ કાર્યવાહી હાથ ધરી અત્યાર સુધી આશરે ₹3,76,400નો દંડ વસૂલવામાં આવ્યો છે.
વન વિભાગ દ્વારા અભયારણ્ય વિસ્તારમાં પ્રવેશ અને ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી રહી છે, જેથી સંરક્ષિત વિસ્તારમાં કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિને અટકાવી શકાય.
શિકારના કેસમાં પણ કાર્યવાહી
શિકારને લગતા 8 ગુના નોંધાયા હોવાનું વન વિભાગે જણાવ્યું છે. તેમાંથી 4 કેસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે, જ્યારે બાકીના કેસમાં નિયમ મુજબ કાર્યવાહી આગળ ધપાવવામાં આવી રહી છે.
આ ઉપરાંત વન વિભાગની જરૂરી પરવાનગી વિના લાકડાની ગેરકાયદેસર હેરાફેરી કરનારાઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. આવા કુલ 16 ગુના નોંધવામાં આવ્યા છે અને સંબંધિત કેસોમાં અંદાજે ₹3,03,000નો દંડ વસૂલાયો છે.
ગેરકાયદેસર ચરિયાણ સામે પણ કાર્યવાહી
અભયારણ્ય વિસ્તારમાં ગેરકાયદેસર ચરિયાણ કરતા ઈસમો સામે પણ વન વિભાગે કાર્યવાહી કરી છે. આવા 17 ગુના નોંધવામાં આવ્યા છે અને તેમાં કુલ ₹32,500નો દંડ વસૂલવામાં આવ્યો છે.
આ રીતે અલગ-અલગ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામેની કાર્યવાહીમાં છેલ્લા 4 મહિનામાં કુલ 75 કેસ નોંધાયા છે અને રૂ. 13,30,900 જેટલો દંડ વસૂલાયો છે.
સિંહ સહિત વન્યજીવોની સુરક્ષા માટે કડક કાર્યવાહી
ગીર પૂર્વ વન વિભાગે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે સિંહ સહિત અન્ય વન્યજીવોની પજવણી, ગેરકાયદેસર શિકાર, અભયારણ્યના પ્રતિબંધિત વિસ્તારમાં અનધિકૃત પ્રવેશ તેમજ વનસ્પતિને નુકસાન પહોંચાડતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં.
આવી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તત્વો સામે કાયદાની જોગવાઈઓ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે.
વન વિભાગની જનતાને અપીલ
ગીર પૂર્વ વન વિભાગે આસપાસના વિસ્તારોમાં રહેતા લોકો અને મુલાકાતીઓને પણ અપીલ કરી છે. જો કોઈ વ્યક્તિ વન્યપ્રાણીની પજવણી કરે, ગેરકાયદેસર શિકાર કરે, પ્રતિબંધિત વન વિસ્તારમાં પ્રવેશ કરે, લાકડાની ગેરકાયદેસર હેરાફેરી કરે અથવા અન્ય કોઈ વન તથા વન્યજીવ સંબંધિત ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતો જોવા મળે તો તાત્કાલિક નજીકની વન વિભાગની કચેરી અથવા વન વિભાગના સ્ટાફને જાણ કરવા જણાવાયું છે.
સોશિયલ મીડિયા પર સિંહ અથવા અન્ય વન્યપ્રાણીઓની પજવણી, ગેરકાયદેસર દર્શન, પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ અથવા શિકાર સંબંધિત કોઈ રીલ, ફોટો કે વીડિયો જોવા મળે તો તેની માહિતી પણ તાત્કાલિક વન વિભાગ સુધી પહોંચાડવા અપીલ કરવામાં આવી છે.
વન વિભાગનું કહેવું છે કે વન્યજીવો અને ગીરના જંગલની સુરક્ષા માત્ર તંત્રની નહીં પરંતુ સમગ્ર સમાજની સામૂહિક જવાબદારી છે.
News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`
Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો
Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો
Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો
Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો







