ગોંડલ તાલુકાના ગુંદાસરા ગામમાં રક્ષાબંધનના પર્વે વર્ષોથી ચાલી આવતી અનોખી પરંપરા ફરી જોવા મળી. સંધ્યા પર્વે યોજાતી ‘હળ જીતવાની’ સ્પર્ધામાં ગામના ચાર યુવાનો ભાગ લે છે. ખાસ વાત એ છે કે આ ચાર યુવાનોને ગુજરાતી કેલેન્ડરના વર્ષના અંતિમ ચાર મહિના—અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો—નાં નામ આપવામાં આવે છે.
500 મીટરની દોડ બાદ થાય છે હળની સ્પર્ધા
પરંપરા મુજબ ચારેય યુવાનોને ગામના સાર્વજનિક કૂવામાં સ્નાન કરાવવામાં આવે છે. ત્યારબાદ તેઓ આશરે 500 મીટર દૂરથી દોડીને આવે છે. દોડમાં જે યુવાન વિજેતા બને તેને ‘હળ’ આપવામાં આવે છે.
ગામના ખેડૂતો અને ગ્રામજનોમાં એવી માન્યતા છે કે જે માસના નામે યુવાન હળની સ્પર્ધા જીતે, તે માસમાં સારો વરસાદ થાય છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, અગાઉના વર્ષોમાં આ લોકવિશ્વાસ સાચો પડ્યો હોવાનું પણ માનવામાં આવે છે.
આ વર્ષે ‘અષાઢ’ માસનો યુવાન વિજેતા
આ વર્ષની સ્પર્ધામાં બંસન બારસિયા, જેને ‘અષાઢ માસ’નું નામ આપવામાં આવ્યું હતું, તે વિજેતા બન્યો હતો. આ જીત બાદ ગામના આગેવાનો અને ગ્રામજનોએ આગામી વર્ષમાં આસો મહિનામાં સારો વરસાદ થવાની આશા વ્યક્ત કરી હતી. આ પરંપરા માત્ર એક સ્પર્ધા પૂરતી મર્યાદિત નથી, પરંતુ ગામની લોકસંસ્કૃતિ, ખેતી અને વરસાદ સાથે જોડાયેલી વર્ષો જૂની માન્યતાનું અનોખું ઉદાહરણ છે.
વિજેતા સહિત તમામ સ્પર્ધકોનું સન્માન
સ્પર્ધા પૂર્ણ થયા બાદ ગુંદાસરા ગામના સરપંચ દ્વારા વિજેતા બંસન બારસિયાને રૂ.1,000નું ઇનામ આપવામાં આવ્યું હતું. જ્યારે અન્ય સ્પર્ધકોને રૂ.500-500 આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. રક્ષાબંધનના પર્વે યોજાતી આ અનોખી પરંપરાએ ફરી એકવાર ગામની પરંપરા અને લોકવિશ્વાસને જીવંત રાખ્યો છે.
News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`
Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો
Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો
Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો
Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો







