સુરેન્દ્રનગર: વઢવાણ-લખતર હાઈવે પર સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના બે સભ્યોના મોત થયા છે. બાઈક પર જઈ રહેલા પરિવારને અજાણ્યા વાહનચાલકે ટક્કર મારી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. અકસ્માત બાદ વાહનચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.

મળતી માહિતી મુજબ, બાઈક પર એક દંપતી તેમના પુત્ર સાથે મુસાફરી કરી રહ્યા હતા. દરમિયાન હાઈવે પર અજાણ્યા વાહને તેમની બાઈકને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે મહિલાનું અને બાળકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

અકસ્માતમાં પતિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત

અકસ્મતમાં પરિવારના પુરુષ સભ્યને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક સારવાર માટે મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ તેમની સારવાર ચાલી રહી છે.

અકસ્મતની જાણ થતાં આસપાસના ખેતરોમાં કામ કરતા ખેડૂતો અને ખેતમજૂરો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોની મદદથી ઈજાગ્રસ્તને સારવાર માટે ખસેડવાની કામગીરી કરવામાં આવી હતી.

રાહદારીએ પોલીસને જાણ કરી

અકસ્મત અંગે એક રાહદારીએ પોલીસને જાણ કરતાં વઢવાણ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે સમગ્ર બનાવની પ્રાથમિક તપાસ હાથ ધરી છે અને અકસ્માત બાદ ફરાર થયેલા અજાણ્યા વાહનચાલકને શોધવાની કાર્યવાહી શરૂ કરી છે.

મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા

વઢવાણ પોલીસે બંને મૃતદેહનો કબજો મેળવી લીધો હતો. ત્યારબાદ મૃતદેહોને સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા.

પ્રાથમિક માહિતી અનુસાર, અકસ્માતમાં મૃત્યુ પામેલા પરિવારના સભ્યો પૈકીના પુરુષ સભ્ય તાલુકા પંચાયતના એફબીએમ વિભાગમાં ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા હોવાનું જાણવા મળ્યું છે. જોકે મૃતકો અને ઈજાગ્રસ્તની સંપૂર્ણ ઓળખ અંગે સત્તાવાર પોલીસ વિગતોની રાહ જોવાઈ રહી છે.

અજાણ્યા વાહનચાલકની શોધખોળ

અકસ્મત બાદ અજાણ્યો વાહનચાલક સ્થળ પરથી ફરાર થઈ જતા પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે. અકસ્માત કયા વાહનથી થયો અને તેની ચોક્કસ પરિસ્થિતિ શું હતી તે જાણવા માટે પોલીસ તપાસ કરી રહી છે. વઢવાણ-લખતર હાઈવે પર બનેલી આ દુર્ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે.