રાજકોટ ગ્રામ્યના મેટોડા GIDC પોલીસ સ્ટેશન વિસ્તારમાં 7 વર્ષ 8 માસની બાળકી ગુમ થવાના બનાવ બાદ પોલીસે ગણતરીની કલાકોમાં કાર્યવાહી કરી એક શખ્સને ઝડપી લીધો છે. પોલીસના જણાવ્યા અનુસાર, બાળકીનું અપહરણ કરી તેની સાથે યૌન શોષણનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પોલીસે અવાવરુ વિસ્તારમાંથી બાળકીનો સુરક્ષિત બચાવ કર્યો હોવાનું જણાવ્યું છે.
પોલીસના જણાવ્યા મુજબ, 22 ઓગસ્ટ 2026ના રોજ સાંજે આશરે 6:30થી 7 વાગ્યાની વચ્ચે મેટોડા GIDC વિસ્તારમાં રહેતી 7 વર્ષ 8 માસની બાળકી ઘર નજીકથી અચાનક ગુમ થઈ હતી. પરિવારજનોએ આસપાસ શોધખોળ કર્યા બાદ બાળકીનો પત્તો ન મળતાં તાત્કાલિક 112 પર પોલીસને જાણ કરી હતી.
112 પર જાણ થતાં પોલીસની તપાસ શરૂ
બાળકી ગુમ થયાની જાણ થતાં જ બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખી પોલીસે તાત્કાલિક તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસ દ્વારા BNS-2023ની સંબંધિત કલમો તથા પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
બનાવની ગંભીરતાને પગલે રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલિપા રાય (IPS) અને રાજકોટ ગ્રામ્યના પોલીસ અધિક્ષક શ્રી વિજયસિંહ ગુર્જર (IPS) દ્વારા આરોપીને ઝડપથી પકડી પાડવા સૂચના આપવામાં આવી હતી.
ગોંડલ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.જી. ઝાલાના માર્ગદર્શન હેઠળ PI એમ.જે. પરમારની રાહબરીમાં પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. તપાસ દરમિયાન ટેકનિકલ સોર્સ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને આસપાસના CCTV કેમેરાના ફૂટેજની મદદ લેવામાં આવી હતી.
અવાવરુ વિસ્તારમાંથી બાળકીનો બચાવ
તપાસ દરમિયાન પોલીસને ખીરસરા ગામથી મેટોડા તરફ જતા રોડ નજીક એક શંકાસ્પદ વ્યક્તિ હોવાની માહિતી મળી હતી. પોલીસ ટીમે માહિતીના આધારે સ્થળ પર પહોંચી તપાસ કરતાં અવાવરુ ઝાડી-ઝાંખરવાળા વિસ્તારમાં એક શખ્સ બાળકી સાથે હોવાનું સામે આવ્યું હતું.
પોલીસના જણાવ્યા પ્રમાણે, સ્થળ પર પહોંચેલી ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને બાળકીને સુરક્ષિત રીતે બહાર કાઢી હતી અને શંકાસ્પદ વ્યક્તિને ઝડપી લીધો હતો.
પોલીસે પકડાયેલા શખ્સની ઓળખ વિક્રમ સુખદેવ ગૌર, ઉંમર 37 વર્ષ તરીકે કરી છે. પોલીસના જણાવ્યા મુજબ, આરોપી હાલ મેટોડા વિસ્તારમાં રહે છે અને મૂળ ઉત્તર પ્રદેશનો વતની છે.
આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
માત્ર 2 કલાકમાં આરોપી સુધી પહોંચી પોલીસ
રાજકોટ ગ્રામ્ય પોલીસના જણાવ્યા અનુસાર, બાળકી ગુમ થયાની જાણથી લઈને આરોપીને ઝડપી પાડવા સુધીની કામગીરીમાં પોલીસ ટીમોએ ઝડપી સંકલન સાથે તપાસ આગળ ધપાવી હતી. CCTV ફૂટેજ, ટેકનિકલ માહિતી અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસનો દોર આગળ વધારવામાં આવ્યો હતો.
આ સમગ્ર કાર્યવાહી દરમિયાન બાળકીનો સુરક્ષિત બચાવ કરવામાં આવ્યો હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે. બનાવને પગલે મેટોડા GIDC વિસ્તારમાં પણ ચકચાર મચી છે.
SP રાજકોટ ગ્રામ્ય વિજયસિંહ ગુર્જરની પ્રતિક્રિયા
રાજકોટ ગ્રામ્યના SP વિજયસિંહ ગુર્જરના જણાવ્યા અનુસાર, 22 ઓગસ્ટની સાંજે બાળકી ગુમ થયાની જાણ 112 મારફતે મળી હતી. બનાવની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક અલગ અલગ પોલીસ ટીમો બનાવી CCTV અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી.
SPના જણાવ્યા મુજબ, પોલીસ ટીમે આશરે બે કલાકમાં આરોપીને અવાવરુ સ્થળેથી ઝડપી લીધો અને બાળકીને સુરક્ષિત બચાવી લીધી હતી. આરોપી અન્ય રાજ્યનો હોવાનું પણ પોલીસ દ્વારા જણાવાયું છે. તેની સામે BNS અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મામલો અતિ સંવેદનશીલ હોવાથી બાળકીની ઓળખ જાહેર ન થાય તેની કાળજી રાખવામાં આવી રહી છે. પોલીસ દ્વારા કેસની આગળની તપાસ ચાલુ છે અને તપાસમાં સામે આવતી વિગતોના આધારે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.







