ભાવનગરમાં ઝેરી દારૂના કારણે સર્જાયેલા લઠ્ઠાકાંડને લઈને સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા તપાસ વધુ ઊંડાણપૂર્વક હાથ ધરવામાં આવી રહી છે. લઠ્ઠાકાંડના મૂળ સુધી પહોંચવા તેમજ સમગ્ર ઘટનામાં પોલીસ વિભાગની ભૂમિકા અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.

SMCના મહિલા IPS IG ગગનદીપ ગંભીર અને DIG વિશાલકુમાર વાઘેલા સહિતના અધિકારીઓ છેલ્લા ચાર દિવસથી DSP કચેરી ખાતે ધામા નાખીને તપાસ કરી રહ્યા છે. આજે પણ અધિકારીઓ દ્વારા સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી.

દરમિયાન લઠ્ઠાકાંડના આરોપીઓને હાલ ભાવનગર SP કચેરી ખાતે લાવવામાં આવ્યા છે. અગાઉ ઝડપાયેલા 14 આરોપીઓના 31 ઓગસ્ટ સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે, જ્યારે ગઈકાલે ઝડપાયેલા વધુ 13 આરોપીઓના 2 સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર થયા છે.

લઠ્ઠાકાંડ મામલે અત્યાર સુધીમાં કુલ 27 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. સમગ્ર પ્રકરણમાં SMC દ્વારા તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે અને ઘટનાના મૂળ સુધી પહોંચવા માટે વિવિધ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે.