ચોરડી: ગૌચર જમીનમાં વીજપોલ નાખવાના વિરોધમાં ચોરડી ગામે ગ્રામજનો, ખેડૂતો અને માલધારીઓ દ્વારા શરૂ કરાયેલું આંદોલન પાંચમા દિવસે વધુ ઉગ્ર બન્યું છે. જેટકો કંપની દ્વારા ગૌચર જમીનમાં વીજપોલ ઉભા કરવાની કામગીરી સામે ગ્રામજનો વિવિધ પ્રકારે વિરોધ નોંધાવી રહ્યા છે.
આંદોલનના અગાઉના દિવસોમાં ગ્રામજનોએ સ્મશાનયાત્રા અને બેસણું યોજી વિરોધ નોંધાવ્યો હતો. જ્યારે આજે હિન્દુ વિધિ મુજબ ‘પાણીઢોળ’ (કારજ)ની વિધિ કરી નાના બાળકોને જમાડવામાં આવ્યા હતા. આ પ્રકારે ગ્રામજનોએ તંત્ર અને સરકારનું ધ્યાન ખેંચવાનો પ્રયાસ કર્યો હતો.
બાળકોની રજૂઆત પણ ન સાંભળ્યાનો આક્ષેપ
આજે નાના બાળકો સાથે ગ્રામજનો રજૂઆત કરવા પહોંચ્યા હતા. જોકે, જેટકો કંપનીના કોન્ટ્રાક્ટ કર્મચારીઓએ બાળકો દ્વારા આપવામાં આવતા ફૂલો સ્વીકારવાની તેમજ તેમની રજૂઆત સાંભળવાની ના પાડી હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો.
સ્થળ પર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા બાળકો અને ગ્રામજનોને અધિકારીઓથી દૂર રાખવામાં આવ્યા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.
એકને બદલે ત્રણ JCBથી કામ શરૂ થતાં રોષ
વિરોધ ચાલી રહ્યો હોવા છતાં અચાનક એકને બદલે ત્રણ-ત્રણ JCB મશીનો સ્થળ પર લગાવી સિમેન્ટ-રેતીનું કામ ઝડપી ગતિએ શરૂ કરવામાં આવતાં ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આંદોલનકારીઓનું કહેવું છે કે પાંચ દિવસથી વિરોધ ચાલી રહ્યો હોવા છતાં સરકાર કે સ્થાનિક તંત્ર દ્વારા તેમની સમસ્યાનો કોઈ યોગ્ય ઉકેલ લાવવામાં આવ્યો નથી.
ગ્રામજનો, ખેડૂતો અને માલધારીઓએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો આગામી દિવસોમાં ગૌચર જમીન અંગે યોગ્ય ન્યાય નહીં મળે અને વીજપોલની કામગીરી અંગે યોગ્ય નિર્ણય નહીં લેવાય, તો વધુમાં વધુ ખેડૂતો અને ગ્રામજનોને જોડીને આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે.







