ભાવનગર જિલ્લાના ખરકડી ગામમાં કથિત ડુપ્લિકેટ દારૂના સેવન બાદ ગંભીર સ્થિતિ સર્જાઈ છે. સમગ્ર ઘટનામાં અત્યાર સુધીમાં 2 લોકોના મોતની પોલીસ દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે, જ્યારે આશરે 19 લોકો સારવાર હેઠળ હોવાનું સામે આવ્યું છે. દર્દીઓમાં કેટલાકની સારવાર ભાવનગર સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી છે, જ્યારે અન્યને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
મિથેનોલની અસર ઘટાડવા ઇથેનોલથી સારવાર
કથિત નકલી દારૂમાં રહેલા મિથેનોલ નામના ઝેરી તત્વની અસરને ધ્યાનમાં રાખીને તબીબો દ્વારા દર્દીઓને સઘન સારવાર આપવામાં આવી રહી છે. મિથેનોલની ઝેરી અસર ઘટાડવા માટે તબીબી દેખરેખ હેઠળ ઇથેનોલનો ઉપયોગ સારવારમાં કરવામાં આવી રહ્યો છે.
દર્દીઓની સ્થિતિને ધ્યાનમાં રાખીને તબીબોની ટીમ સતત તેમની સારવાર અને દેખરેખ કરી રહી છે.
ખરકડી કાંડમાં 2 મોતની SP દ્વારા પુષ્ટિ
ભાવનગર પોલીસ અધિક્ષકે કથિત ડુપ્લિકેટ દારૂના સેવનથી બે લોકોના મોત થયાની સત્તાવાર પુષ્ટિ કરી છે. ઘટનાની ગંભીરતાને જોતા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
પ્રાથમિક પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, કથિત ડુપ્લિકેટ દારૂ મધ્યપ્રદેશના ઉજ્જૈનથી ભાવનગર લાવવામાં આવ્યો હોવાની માહિતી મળી છે.
આ કનેક્શનને લઈને હવે પોલીસ દારૂનો જથ્થો ક્યાંથી મેળવવામાં આવ્યો, કોના મારફતે ભાવનગર પહોંચ્યો અને સ્થાનિક સ્તરે તેનું વિતરણ કોણે કર્યું હતું તે દિશામાં તપાસ કરી રહી છે.
મુખ્ય બુટલેગરની અટકાયત, પૂછપરછ શરૂ
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે કથિત મુખ્ય બુટલેગરની અટકાયત કરી છે. પોલીસ દ્વારા તેની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. તપાસ દરમિયાન ડુપ્લિકેટ દારૂના સપ્લાય સાથે સંકળાયેલા અન્ય લોકોની ભૂમિકા પણ સામે આવે તેવી શક્યતા છે.
તપાસ કમિટી રચવાનો આદેશ
ખરકડીમાં બનેલી આ ગંભીર ઘટનાને લઈને રાજ્ય સરકારના સ્તરે પણ કાર્યવાહી શરૂ થઈ છે. Dy CMના આદેશ બાદ સમગ્ર મામલે તપાસ કમિટી રચવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
ઘોઘાના ધારાસભ્ય પરસોત્તમ સોલંકીએ ભાવનગર SP સાથે વાતચીત કરીને ઘટનાની નિષ્પક્ષ અને તટસ્થ તપાસ કરવા સૂચના આપી છે.
બીજી તરફ પ્રભારી મંત્રી કૌશિક વેકરિયાએ સમગ્ર ઘટનાનો અહેવાલ માંગ્યો છે. તેમણે SP તેમજ રેન્જ IGને ઘટનાના મૂળ સુધી પહોંચીને તાત્કાલિક તપાસ રિપોર્ટ રજૂ કરવા કડક સૂચના આપી છે.
હવે તપાસના કેન્દ્રમાં અનેક સવાલ
ખરકડીની આ ઘટનાએ ડુપ્લિકેટ દારૂના સપ્લાય નેટવર્ક સામે અનેક સવાલો ઉભા કર્યા છે.
ઉજ્જૈનથી દારૂ ભાવનગર સુધી કેવી રીતે પહોંચ્યો?
આ જથ્થો કોના મારફતે અહીં પહોંચાડવામાં આવ્યો?
કેટલા લોકો સુધી આ કથિત નકલી દારૂ પહોંચ્યો હતો?
અને આ સમગ્ર નેટવર્ક પાછળ હજુ કેટલા લોકો સંકળાયેલા છે?
હાલ પોલીસ તપાસ આગળ વધી રહી છે અને તપાસ પૂર્ણ થયા બાદ સમગ્ર નેટવર્ક અંગે વધુ વિગતો સામે આવી શકે છે.







