રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનો પાર્થિવદેહ ચેન્નઈથી અમદાવાદ એરપોર્ટ પર લાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ અમદાવાદથી બાય રોડ તેમના દેહને રાજકોટ તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યો હતો. શાસ્ત્રોક્ત વિધિ બાદ પાર્થિવદેહને અંતિમ દર્શન માટે રાખવાામાં આવ્યો હતો.
અભયભાઈના પાર્થિવદેહના ભાજપના મંત્રીમંડળે અંતિમ દર્શન કર્યા હતા. જેમાં આર.સી. ફળદુ, જયેશ રાદડિયા, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ધનસુખ ભંડેરી સહિતના નેતાઓએ અંતિમ દર્શન કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. રાજકોટ ભાજપના આગેવાનો અને કાર્યકરો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.
અંતિમયાત્રામાં વિજય રૂપાણી પણ હાજર રહ્યાં હતા અને કાલાવડ રોડ સ્થિત મોટામવા સ્મશાન ખાતે કોરોનાની ગાઈડલાઈન મુજબ ઈલેક્ટ્રિક ભઠ્ઠીમાં અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા અને અભયભાઈનો પાર્થિવદેહ પંચમહાભૂતમાં વિલીન થયો હતો. રૂપાણી છેલ્લે સુધી હાજર રહ્યા હતા.