હમણાં બે દિવસ પહેલા મારા એક મિત્રના ભાઈનો મને ફોન આવ્યો. પ્રશ્ન હતો કે મારા ભાઈના ઇન્કમ ટેક્સ રિટર્ન અમે નિયમિત ભરતા હતા. હવે જ્યારે કોરોનામાં તેમનું મૃત્યુ થયું છે ત્યારે ઇન્કમ ટેક્સ પાસે થી વળતર કેવી રીતે માંગી શકાય??? આ પ્રશ્ન આજે ઘણા વ્યક્તિઓ તરફથી તેમના ટેક્સ કન્સલ્ટન્ટને કરવામાં આવી રહ્યા છે. આ પ્રશ્નનું કારણ એ છે કે “વોટ્સએપ” ઉપર એવો મેસેજ વાઇરલ થયો છે કે જે વ્યક્તિ ઇન્કમ ટેક્સ રિટર્ન ભરતા હોય તેવા વ્યક્તિનું જો મૃત્યુ થાય તો તેમણે ઇન્કમ ટેક્સ ઓફિસ તરફથી 50,00,000/-(પચાસ લાખ) મળે છે.
મિત્રો, આ તકે એ બાબત સ્પષ્ટ રીતે સમજવી જરૂરી છે કે આ મેસેજમાં દર્શાવવામાં આવેલી ઇન્કમ ટેક્સ રિટર્ન બાબતે વળતરની વિગત તદ્દન ખોટી છે. આ પ્રકારે માત્ર ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાથી આ પ્રકારે કોઈ વીમાની રકમ ઇન્કમ ટેક્સ ઓફિસ દ્વારા આપવામાં આવતી નથી. હા, કોઈ વ્યક્તિએ જીવન વીમો લેવામાં આ ઇન્કમ ટેક્સ રિટર્ન ચોક્કસ કામ આવતા હોય છે. મૃત્યુના કિસ્સામાં જો વીમો લેવામાં આવ્યો હોય તો જ ક્લેમ મળવા પાત્ર છે. આ ક્લેમ જે તે વીમા કંપની દ્વારા શરતોને આધીન ચૂકવવામાં આવતો હોય છે. પણ ઇન્કમ ટેક્સ ઓફિસ કોઈ વ્યક્તિને રિટર્ન ભરેલ હોય અને કોઈ વ્યક્તિની મૃત્યુ થાય ત્યારે કોઈ રકમ કરદાતાને ઇન્કમ ટેક્સ આપે તે બાબત તદ્દન ખોટી છે. કોઈ વ્યક્તિ આ પ્રકારની લોભ કે લાલચમાં કોઈ છેતરપિંડીનો શિકાર ના બને તે જરૂરી છે. ભવ્ય પોપટ







