ગાંધીનગરઃ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના હોમસાયન્સ વિભાગ દ્વારા તાજેતરમાં “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત કોરોના સંક્રમણ અટકાવવા માટે રસીકરણ જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. હાલ કોરોના વેક્સિન અંગે લોકોમાં કેટલીક ગેરસમજ છે, ત્યારે લોકોમાં સાચી સમજ કેળવાય તે જરૂરી હોવાથી ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના માનનીય કુલપતિ શ્રી હર્ષદભાઈ શાહે આપેલી પ્રેરણા અને કુલસચિવ ડૉ. અશોક પ્રજાપતિના માર્ગદર્શન મુજબ આ કાર્યક્રમ ઉવારસદ પી.એચ.સી. ખાતે યોજાયો હતો. પી.એચ.સી.ના પરેશભાઈ પટેલે કોરોનાનું સંક્રમણ અટકાવવા તથા રસીકરણના મહત્ત્વ અંગે ગ્રામજનોને માહિતી આપી હતી. તેમણે ગ્રામજનોને મૂંઝવતા પ્રશ્નોના ઉત્તર સરળ ભાષામાં આપ્યા હતા. આ કાર્યક્રમમાં પબ્લિક હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર ડૉ.સરોજીની ચૌધરી પણ હાજર રહ્યાં હતાં. હોમસાયન્સ વિભાગના અધ્યક્ષ શ્રી ક્રિષ્ના ઠક્કરે ડૉ.સરોજીનીનું જ્યારે ડૉ.નીતા ચૌધરીએ પરેશભાઈ પટેલનું પુસ્તક અને પુષ્પથી સ્વાગત કર્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવામાં આવ્યું હતું.