અમરેલી, તા.૨૬ જાન્યુઆરી, ૨૦૨૫ (રવિવાર) સાવરકુંડલા સ્થિત વી.જે.પારેખ આંખની હોસ્પિટલ ખાતે અમરેલી જિલ્લાકક્ષાના ૭૬મા પ્રજાસત્તાક પર્વ-દિનની ઉજવણી જિલ્લા કલેકટર અજય દહિયાના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી. જિલ્લા કલેકટરએ ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. આ પ્રસંગે માર્ચ પાસ્ટ અને પોલીસ પરેડ યોજવામાં આવી હતી. જિલ્લા કલેકટરએ પરેડ નિરિક્ષણ કર્યુ હતુ.
પ્રજાસત્તાક પર્વ નિમિત્તે જિલ્લા કલેકટરએ જણાવ્યુ કે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી, લોખંડી પુરુષ અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ, બંધારણ ઘડવૈયા ડૉ. બાબા સાહેબ આંબેડકર સહિત મહાપુરુષો અને અનેક નાગરિકોએ રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું હતું.
કલેકટર એ ઉમેર્યુ કે, આપણું બંધારણ આપણા પ્રજાસત્તાક રાષ્ટ્રનો મજબૂત પાયો છે. આપણું બંધારણ ‘વિશ્વ બંધુત્વ’ અને ‘સર્વ કલ્યાણ’ની ભાવના પર રચાયું, ‘વિકસિત રાષ્ટ્ર’ માટે અંત્યોદયના વિચારને ચરિતાર્થ કરવો જરુરી છે. વિકસિત ભારતના નિર્માણમાં દરેક નાગરિકને તેનું અમૂલ્ય યોગદાન આપવા અનુરોધ કર્યો હતો.
ભારતનું પ્રાચીન જ્ઞાન વિશ્વને પર્યાવરણીય સંકટમાંથી મુક્તિનો માર્ગ ચીંધી શકે છે. ટેક્નોલોજિકલ યુગમાં વધતાં જતાં સાઇબર અપરાધોને અટકાવવા જનજાગૃત્તિ આવશ્યક હોય આ માટે યુવાનોને આગળ આવવા આહ્વવાન કર્યુ હતુ.
જિલ્લા કલેકટરએ, આઝાદી સમયે પોતાના સર્વસ્વનું બલિદાન આપનારા ગુજરાતના ગૌરવવંતા ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્મા, મેડમ ભીખાજી કામા, સરદાર સિંહ રાણાના આઝાદી માટેના સંઘર્ષને યાદ કર્યો હતો.
જિલ્લા કલેક્ટરએ દેશના નામી-અનામી સર્વ સ્વાતંત્ર્ય સેનાની, ક્રાંતિકારીઓના રાષ્ટ્ર માટેના બલિદાનને વંદન કરી તેમનું સ્મરણ કર્યુ હતુ. જિલ્લાના સૌ નાગરિકોને પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવી હતી.
સ્વાતંત્ર્ય સેનાની અને બાબરાના વતની ઉમંગરાય છાટબારને સુતરની આંટી અને શાલ અર્પણ કરી જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પોલીસ વડાએ સન્માન કર્યુ હતુ.
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, આત્મા પ્રાકૃતિક કૃષિ પ્રોજેક્ટ, જિલ્લા મહિલા અને બાળ કલ્યાણ, આઇ.સી.ડી.એસ., શિક્ષણ, સામાજિક વનીકરણ, આરોગ્ય, ૧૦૮ સેવા, નંદ ઘર, સખી વન સ્ટોપ સેન્ટર, ખેલ મહાકુંભ, નમો ડ્રોન દીદી યોજના સહિતની કામગીરીની ઝાંખી કરાવતા ટેબ્લોનું નિદર્શન કરવામાં આવ્યું હતું.
૭૬માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, જિલ્લા કલેકટર અજય દહિયા, જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યા, જિલ્લા પોલીસ વડા સંજય ખરાત, મદદનીશ પોલીસ અધિક્ષક વલય વૈદ્ય સહિતના પદાધિકારી – અધિકારીઓના હસ્તે શિક્ષણ, રમત ગમત, ૧૦૮ સેવા, પોલીસ, આરોગ્ય સહિત વિવિધ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારા અધિકારી-કર્મચારીઓને અને રમતગમતમાં ઉત્કૃષ્ટ દેખાવ કરતા ખેલાડીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં શ્રેષ્ઠ પરેડ, શ્રેષ્ઠ ટેબ્લો, શ્રેષ્ઠ સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ કરનાર જૂથ-કચેરી-વિદ્યાર્થીગણને પ્રમાણપત્ર અને એવોર્ડ આપી તેમના ઉત્સાહમાં ઉમેરો કરવામાં આવ્યો હતો.
સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, જિલ્લા કલેકટર અજય દહિયા, જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યા, જિલ્લા પોલીસ વડા સંજય ખરાત, મદદનીશ પોલીસ અધિક્ષક વલય વૈદ્ય સહિતના પદાધિકારીઓ-અધિકારીઓ અને મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતુ. વિવિધ શાળા-કોલેજના વિદ્યાર્થીઓએ યોગાસન, એકશન ડાન્સ, રાસ સહિતની સાંસ્કૃત્તિક કૃતિઓ રજૂ કરી હતી. તેમને પુરસ્કારોથી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રકાશભાઇ જોષીએ કર્યુ હતુ. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા રક્ત દાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

જિલ્લા કક્ષાના ૭૬મા પ્રજાસત્તાક પર્વ ઉજવણી કાર્યક્રમમાં સાવરકુંડલા વિસ્તારના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, જિલ્લા કલેક્ટર અજય દહિયા, જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યા, જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાત, મદદનીશ પોલીસ અધિક્ષક વલય વૈદ્ય, નિવાસી અધિક કલેકટર દિલીપસિંહ ગોહિલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક જાડેજા, સાવરકુંડલા – લીલીયા પ્રાંત અધિકારી સહિત આરોગ્ય, પંચાયત, ખેતીવાડી, શિક્ષણ, પોલીસ, મહેસૂલ, નગરપાલિકા, વન, ૧૦૮ સેવા, ફાયર સેવા સહિત વિવિધ કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ, અગ્રણીઓ, પદાધિકારીઓ સહિતના મહાનુભાવો, વિદ્યાર્થીગણ, ખેલાડીઓ તેમજ નગરજનો સહિતના ઉપસ્થિત રહ્યા હતા.







