ટીમ ઈન્ડિયા જશે દક્ષિણ આફ્રિકાના પ્રવાસે , શેડ્યૂલ જાહેર…

ICC મેન્સ ટી20 વર્લ્ડ કપ 2024 પછી પણ ભારતીય ટીમને આરામ મળવાનો નથી. ભારતીય ટીમ જુલાઈ મહિનામાં પહેલા ઝિમ્બાબ્વે અને પછી શ્રીલંકાનો પ્રવાસ કરશે. આ પછી તેને સપ્ટેમ્બરમાં બાંગ્લાદેશ અને ઓક્ટોબર-નવેમ્બરમાં ન્યૂઝીલેન્ડ સામે મેચ રમવાની છે. હવે ભારતીય ટીમ સાથે જોડાયેલા વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસનું શિડ્યુલ જાહેર થયું છે.

ભારતીય ટીમ નવેમ્બરમાં દક્ષિણ આફ્રિકાના પ્રવાસે પણ જશે, જ્યાં તેને યજમાન ટીમ સામે 4 T20 મેચ રમવાની છે. ભારતનો સાઉથ આફ્રિકા પ્રવાસ ન્યુઝીલેન્ડ સામેની ઘરઆંગણાની ટેસ્ટ સીરીઝ પછી અને ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા જ થશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 22 નવેમ્બરથી પાંચ મેચની ટેસ્ટ સીરિઝ રમાવાની છે.

ક્રિકેટ સાઉથ આફ્રિકા (CSA) દ્વારા 21 જૂન (શુક્રવાર)ના રોજ T20 શ્રેણીનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું હતું. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે T20 શ્રેણીની પ્રથમ મેચ 8 નવેમ્બરે ડરબનમાં રમાશે. આ પછી ટીમો 10 નવેમ્બરે યોજાનારી બીજી T20 મેચ માટે ગાકેબર્હા જશે. ત્યારબાદ બાકીની બે મેચ સેન્ચુરિયન (13 નવેમ્બર) અને જોહાનિસબર્ગ (15 નવેમ્બર)માં રમાશે. છેલ્લા પ્રવાસ પર, બંને દેશો વચ્ચે T20 શ્રેણી 1-1થી ડ્રોમાં સમાપ્ત થઈ હતી.

CSA પ્રમુખ લોસન નાયડુએ કહ્યું, ‘હું BCCIનો દક્ષિણ આફ્રિકા ક્રિકેટ અને સામાન્ય રીતે વિશ્વ ક્રિકેટને સતત સમર્થન આપવા બદલ આભાર માનું છું. ભારતીય ક્રિકેટ ટીમનો કોઈપણ પ્રવાસ અદ્ભુત મિત્રતા અને રોમાંચક ક્રિકેટથી ભરેલો હોય છે. હું જાણું છું કે અમારા પ્રશંસકો આ શ્રેણીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, જે બંને ટીમોની અસાધારણ પ્રતિભાનું પ્રદર્શન કરશે.

બીસીસીઆઈના સચિવ જય શાહે કહ્યું, ‘ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે હંમેશા ગાઢ અને મજબૂત સંબંધ રહ્યા છે, જેના પર બંને દેશોને ગર્વ છે. ભારતીય ક્રિકેટ ટીમને દક્ષિણ આફ્રિકાના ચાહકો તરફથી સતત પ્રશંસા અને પ્રેમ મળી રહ્યો છે. દક્ષિણ આફ્રિકાની ટીમ પ્રત્યે ભારતીય ચાહકોમાં પણ આ લાગણી એટલી જ પ્રબળ છે. મને વિશ્વાસ છે કે આગામી શ્રેણી ફરી એકવાર મેદાન પર ક્રિકેટની શ્રેષ્ઠતાને ઉજાગર કરશે.

ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસનું શેડ્યૂલ (2024)
8 નવેમ્બર – 1લી T20, ડરબન
10 નવેમ્બર – બીજી T20, Gkebarha
13 નવેમ્બર – 3જી T20, સેન્ચ્યુરિયન
15 નવેમ્બર – 4થી T20, જોહાનિસબર્ગ.