NEET-PG પ્રવેશ પરીક્ષા મોકૂફ, પરીક્ષા આવતીકાલે યોજાવાની હતી; નવી તારીખ ટૂંક સમયમાં જાહેર થશે…
આવતી કાલે રવિવારે યોજાનારી NEET-PG પ્રવેશ પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. આ પરીક્ષાની નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. આ જાણકારી સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘કેટલીક સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગેરરીતિના આક્ષેપો થયા છે.
તાજેતરની ઘટનાઓને ધ્યાનમાં રાખીને આરોગ્ય મંત્રાલયે આ નિર્ણય લીધો છે. નેશનલ એક્ઝામિનેશન બોર્ડ ફોર મેડિકલ દ્વારા આયોજિત NEET-PG પ્રવેશ પરીક્ષાની પ્રક્રિયાઓનું સંપૂર્ણ મૂલ્યાંકન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
જાણો શું કહ્યું સ્વાસ્થ્ય મંત્રાલયે
સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, આ પગલું સાવચેતી તરીકે લેવામાં આવ્યું છે. આવતીકાલે એટલે કે 23 જૂન, 2024 ના રોજ યોજાનારી NEET-PG પ્રવેશ પરીક્ષાને સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પરીક્ષાની નવી તારીખ વહેલી તકે જાહેર કરવામાં આવશે. સ્વાસ્થ્ય મંત્રાલય આ નિર્ણયથી વિદ્યાર્થીઓને પડેલી અસુવિધા બદલ દિલગીર છે. જોકે, આ નિર્ણય વિદ્યાર્થીઓના હિતમાં છે. ઉપરાંત, પરીક્ષા પ્રક્રિયાની પવિત્રતા જાળવવા માટે આ જરૂરી હતું.