અમરેલીની ખાંભામાં એક દુઃખદ ઘટના સામે આવી છે. ખાંભાના હનુમાનપર ગામમાં રેતી વોશ કરતા સમયે મશીનમાં શોર્ટ લાગતા એક જ પરિવારના ત્રણ લોકોનું મૃત્યુ થયું છે.
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના હનુમાનપર ગામમાં મકાનના કામ દરમિયાન રેતી વોશ કરતી વખતે વીજકરંટ લાગતા બે ભાઈ અને ભત્રીજાનું મોત થયું છે.એક જ પરિવારના 3 લોકોના મોત થતા પરિવારજનો પર આભ ફાટ્યું છે. હાલ તો પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
અમરેલીના ખાંભાના હનુમાનપુર ગામમાં રહેણાંક વિસ્તારમાં મકાનનું કામ ચાલતું હતું એ દરમિયાન બોરીચા પરિવારના લોકો રેતી વોશ કરી રહ્યાં હતા. ત્યારે મશીનમાં બોરીચા પરિવારના પેથુભાઈ બોરીચા,માનસુખભાઈ બોરીચા અને ભવદીપ બોરીચાને વીજકરંટ લાગ્યો હતો. મશીનમાં વીજકરંટ લાગતા આ ત્રણેયના મોત નિપજ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ખાંભા પોલીસ ઘટનાસ્થળ પર દોડી ગઈ હતી. કાઠી સમાજના આગેવાનો પણ આ દૂર્ઘટનાને પગલે હૉસ્પિટલ દોડી ગયા હતા. આ સમગ્ર ઘટના કેવી રીતે બની તે અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
બે સગભાઈ અને ભત્રીજાનું મોત
રેતી વોશિંગના મશીનમાં વીજ કરંટ લાગતા જે ત્રણ લોકોના મોત નિપજ્યા છે. તેમાં પથુભાઈ અને માનકુભાઈ બે સગાભાઈઓ છે. જ્યારે ભવદીપ બોરીચા તેનો ભત્રીજો થતો હોવાનું જાણવા મળ્યું છે.







