શિકાર અને શિકારી બંને એક જ કૂવામાં, વનવિભાગે કર્યું દિલધડક રેસ્ક્યુ…
હાલ સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે સિંહોની લટાર અવાર નવાર કેમેરામાં કેદ થઇ છે પરંતુ અમરેલી જિલ્લા માંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં સિંહણ ગાયનો શિકાર કરવા પાછળ દોડી અને બંને કુવામાં ખાબક્યા જેમાં ગાયનું મોત નીપજ્યું જયારે સિંહણનું રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ સિંહોના ગઢ ગણાતા અમરેલી જિલ્લામાં અવારનવાર સિંહ અને સિંહ પરિવાર ગીરની આજુબાજુના ગામોમાં આવી ચડે છે. શિકારની શોધમાં આવી ચડેલા આ રાની પશુઓ ગામમાં માલઢોરનો શિકાર કરી જતા હોય છે. ત્યારે ગીરના જસાધર ગામે પણ ગત રાત્રિના શિકાર કરવા આવેલી સિંહણ કૂવામાં ખાબકી હતી. માલણ નદીના કાંઠે પશુનો શિકાર કરવા જતા સિંહણ શિકાર સાથે કૂવામાં ખાબકી હતી. જેમા પશુનું મોત થયુ છે. કૂવામાંથી સિંહણનો અવાજ આવતા ગામલોકોએ તેના રેસક્યુની કામગીરી હાથ ધરી હતી. અને સાથે ફોરેસ્ટ વિભાગમાં જાણ કરી હતી જેથી કાફલો તુરંત ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
ભારે વરસાદમાં જીવના જોખમે વનવિભાગે સિંહણનું કર્યુ રેસક્યુ
ગામલોકોએ વનવિભાગને જાણ કરતા તાત્કાલિક ગીર પૂર્વ વનવિભાગની રેસક્યુ ટીમ દોડી આવી હતી અને ચાલુ વરસાદે સિંહણનુ રેસક્યુ ઓપરેશન હાથ ધર્યુ હતુ. વનવિભાગના કર્મચારીઓ ચાલુ વરસાદે જીવના જોખમે સિંહણને દોરડા વડે બાંધી કૂવામાંથી બહાર કાઢી હતી અને મૃત પશુને પણ કૂવામાંથી બહાર કાઢ્યુ હતુ. રેસ્કયુ બાદ સિંહણને સારવાર અર્થે એનિમલ કેર સેન્ટર ખસેડવામાં આવી. જ્યાંથી તેને સુરક્ષિત સ્થળે છોડવામાં આવશે.







