અમદાવાદ શહેરમાં આજે ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા યોજાઈ રહી છે. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર નગરચર્યા પર નીકળ્યા છે. ભારતમાં જગન્નાથપુરીની સૌથી મોટી રથયાત્રા છે ત્યાર બાદ દેશમાં અમદાવાદની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા અષાઢ સુદ બીજનો પાવનકારી દિવસ એટલે કે, આજે યોજાઈ રહી છે. આજે ભગવાન પોતે ભક્તોની સ્થિતિ જાણવા નિકળ્યા છે. 1878માં શરૂ કરાયેલ રથયાત્રા અમદાવાદની ધાર્મિક ઓળખ છે.
અમદાવાદમાં ભવ્ય જગન્નાથ યાત્રામાં 100થી વધુ ઝાંખીઓ સામેલ થઇ છે. રથયાત્રામાં કોર્પોરેશનના રામસેનાના ટેબલોએ આકર્ષણ જમાવ્યું છે. ટેબ્લો પર રામ, સીતા સહિત રામસેનાની વેશભૂષામાં કલાકારો જોવા મળ્યા. AMC ટેબ્લોમાં રામ-સીતા સાથે વાનરસેનાના વેશમાં યુવાનો આવ્યા છે.

CMએ પહિંદવિધિ કરીને ભગવાનના રથનું પ્રસ્થાન કરાવ્યુ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોનાની સાવરણીથી પહિંદવિધિ કરીને ભગવાનના રથનું પ્રસ્થાન કરાવ્યુ છે. આખરે ભક્તો જે પળનો આતુરતાથી રાહ રાહ જોઇ રહ્યા હતા તે પળ આવી ગઇ છે. રથયાત્રાની શરુઆત થઇ ગઇ છે.
અમિત શાહે કરી મંગળા આરતી
અમદાવાદના જમાલપુુરમાં આવેલા ભગવાન જગન્નાથ મંદિરમાં સવારે 4 કલાકે જ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પહોંચી ગયા હતા અને તેમણે મંગળા આરતીમાં ભાગ લીધો છે. અમિત શાહે ભગવાન જગન્નાથની આરતી ઉતારી. મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો મંગળા આરતીમાં ભાગ લેવા જોડાયા હતા.
લોખંડી સુરક્ષા
રથયાત્રાને લઈને અમદાવાદમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રથયાત્રાના રૂટ પર સઘન સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી છે. 18,784 સુરક્ષાકર્મીઓની સમગ્ર રૂટ પર ફરજ પર છે. 4,500થી વધુ સુરક્ષાકર્મીઓનો મુવિંગ બંદોબસ્ત ગોઠવાયો છે. રથ, અખાડા અને ભજન મંડળીની સુરક્ષામાં તૈનાત કરાયા છે.
ટ્રાફિક નિયમન માટે 1,931 સુરક્ષાકર્મી છે. તો 16 ક્રેઈનની વ્યવસ્થા ગોઠવાઈ છે. 47 સ્થળ પરથી 96 કેમેરાથી નજર રાખવામાં આવી રહી છે. 20 ડ્રોનથી સમગ્ર રથયાત્રા પર નજર રખાશે. રથયાત્રામાં દરેક ગતિવિધિ પર નજર રાખવા 1,733 બોડીવોર્ન કેમેરા લગાવાયા છે. બોડીવોર્ન કેમેરાથી સતત લાઈવ મોનિટરિંગની સુવિધા રાખવામાં આવી છે. 16 કિ.મીના સમગ્ર રૂટમાં 1,400 CCTVથી નજર રખાશે.
જાણો રથયાત્રાનો ઇતિહાસ
મંદિરનો ઈતિહાસ 450 વર્ષ જૂનો છે. સારંગજીદાસજીએ મંદિરની સ્થાપના કરી હતી. 450 વર્ષ પહેલા જમાલપુરમાં ગાદીની સ્થાપના થઈ. જગન્નાથ મંદિર પહેલા ત્યાં હનુમાનજી મંદિર હતું. સારંગજીદાસજીને ભગવાને સ્વપ્નમાં દર્શન આપ્યા હતા. સપનામાં જગન્નાથજીની સ્થાપના કરવા આદેશ મળ્યો. પુરીથી નીમકાષ્ઠની બનેલી મૂર્તિઓ અમદાવાદ લવાઈ. જે પછી વિધિવિધાન સાથે મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠા કરાઈ. મહંત નરસિંહદાસજીએ રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો. 2 જુલાઈ 1879ના રોજ થયો રથયાત્રાનો પ્રારંભ હતો.
રથયાત્રાનો રુટ
પ્રારંભ, 9 વાગ્યે-મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ, 9.45 વાગ્યે- રાયપુર ચકલા, 10.30 વાગ્યે-ખાડિયા ચાર રસ્તા, 11.15 વાગ્યે-કાલુપુર સર્કલ, 12 વાગ્યે-સરસપુર, 1.30 વાગ્યે-સરસપુરથી પરત, 2 વાગ્યે-કાલુપુર સર્કલ, 2.30 વાગ્યે-પ્રેમ દરવાજા, 3.15 વાગ્યે-દિલ્હી ચકલા, 3.45 વાગ્યે-શાહપુર દરવાજા, 4.30 વાગ્યે-આર.સી. હાઇસ્કૂલ, 5 વાગ્યે-ઘી કાંટા, 5.45 વાગ્યે-પાનકોર નાકા, 6.30 વાગ્યે-માણેકચોક, 8.30 વાગ્યે-નિજ મંદિર પરત
જાણો ભગવાનના રથના નામ
ભગવાન જગન્નાથના રથનું નામ નંદીઘોષ છે. જગન્નાથજીને ભગવાન ઇન્દ્રએ રથ આપ્યો હતો. પીળા વસ્ત્રોથી ભગવાનના રથનો શણગાર થાય છે. ભગવાનના રથને નંદીઘોષ તરીકે ઓળખાય છે. અન્ય 2 રથોની સરખામણીએ ભગવાનનો રથ મોટો રખાય છે. ભગવાનના પરંપરાગત રથમાં 16 પૈડા રાખવામાં આવે છે. બલભદ્રજીના રથનું નામ તાલધ્વજ છે. તાલવાન દેવતાઓએ બલભદ્રને રથ આપ્યો હતો. બલભદ્રનો રથ 14 પૈડા વાળો અને બહેનના રથથી મોટો બનાવાય છે. સુભદ્રાજીના રથનું નામ દેવદલન અને પદ્માધ્વજ રખાયુ છે. બહેન સુભદ્રાના પરંપરાગત રથમાં 12 પૈડા હોય છે.
જાણો શું છે પહિંદવિધિ
ભગવાન નગરચર્યાએ નીકળે તે પહેલા પહિંદ વિધિ થાય છે. પુરીમાં પહિંદ વિધિનો મતબલ છેરા પહેરા વિધિ થાય છે. પરંપરા પ્રમાણે રાજા કરે છે ભગવાનની પહિંદ વિધિ,. સોનાની સાવરણીથી પહિંદ વિધિ કરવામાં આવે છે અને પહિંદ વિધિમાં રથને સોનાની સાવરણીથી સાફ કરવામાં આવે છે. રથનો માર્ગ પણ સોનાની સાવરણીથી સાફ કરાય છે અને ગુજરાતમાં મુખ્યમંત્રી પરંપરા મુજબ પહિંદ વિધિ કરે છે. મુખ્યમંત્રી સૌથી પહેલા ભગવાનના રથનું દોરડું ખેંચે છે. 1990થી અમદાવાદની રથયાત્રમાં પહિંદ વિધિ થાય છે. પુરી રથયાત્રામાં પુરીના રાજા કરે છે પહિંદ વિધિ







