ભારદ્વાજ આશ્રમ બચાવ સમિતિ, તાલુકાના સરપંચો અને અન્ય સંસ્થાઓ દ્વારા ખાંભા તાલુકામાં આવેલા હનુમાનગાળા ભારદ્વાજ આશ્રમ અને હનુમાન મંદિરને બચાવવા માટે જંગલખાતા દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસોનો વિરોધ કરવામાં આવ્યો હતો. આશ્રમના મહંતને જંગલખાતા દ્વારા આજે 14 જુલાઈ ૨૦૨૪ સુધીમાં આશ્રમ ખાલી કરી દેવાની મૌખિક સૂચના આપવામાં આવી છે.

ત્યારે આ સૂચનાનો ભક્તોએ ખૂબ જ વિરોધ કર્યો છે અને તેને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડનારું કૃત્ય ગણાવ્યું છે. ભારદ્વાજ આશ્રમ હનુમાનગાળા ઘણા વર્ષોથી ધાર્મિક આસ્થાનું કેન્દ્ર રહ્યું છે અને ગુજરાતના ઘણા શહેરો અને ગામડાઓના ભક્તો અહીં આવે છે. જંગલખાતા દ્વારા આશ્રમ ખાલી કરાવવાના પ્રયાસોથી ભક્તોમાં ભારે રોષ ફેલાયો છે. ભારદ્વાજ આશ્રમ બચાવ સમિતિ દ્વારા ખાંભાના મામલતદારને આવેદનપત્ર આપીને આ સમગ્ર મુદ્દા તાત્કાલિક ઉકેલવાની માંગ કરી છે. આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે જો આશ્રમ ખાલી કરાવવાના પ્રયાસો બંધ નહીં કરવામાં આવે તો ભક્તો ઉગ્ર આંદોલન કરવા મજબૂર બનશે. આ ઘટના ખાંભા તાલુકામાં ચર્ચાસ્પદ બની ગઈ છે અને ઘણા લોકોએ ભારદ્વાજ આશ્રમ અને મંદિર બચાવવા માટે ભક્તોને ટેકો આપ્યો છે.

ખાંભા બંધ પાળવમાં આવ્યું
અમરેલી જિલ્લાની રાજુલા અને ધારીના ખાંભા તાલુકામાં સ્થિત સુપ્રસિદ્ધ હનુમાનગાળા મંદિરમાં વન વિભાગના આદેશ મુજબ કડક નિયમોની કાર્યવાહીની વિરુદ્ધમાં ખાંભા શહેરમાં બંધ પાળવામાં આવ્યું. જેના અનુસંધાને સૌ નાગરિકો સાથે વરસતા વરસાદે આયોજિત શાંતિપૂર્ણ રેલીમાં ઉપસ્થિત રહી, મામલતદારશ્રીને આવેદન આપવામાં આવ્યું.
આ દરમિયાન રાજ્ય સરકારના વન અને પર્યાવરણ વિભાગના કેબિનેટ મંત્રી   Mulubhai Bera સાથે ટેલિફોનિક સંવાદ કરી યોગ્ય કાર્યવાહી અંગે સૂચન કર્યું.

આ દરમિયાન સાથે પૂર્વ ધારાસભ્ય   અંબરીશ ડેર, ખાંભાના સરપંચ પ્રતિનિધિ   બાબુભાઇ માંગાણી, અને હનુમાનગાળા બચાવ સમિતિના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

વનવિભાગે જાણો શું કરી સ્પષ્ટતા 
આ બાબતે વનવિભાગે સ્પષ્ટતા કરી હતી કે હનુમાનગાળા એ એક ધાર્મિક આસ્થાનું સ્થળ છે. હનુમાનગાળા તેમજ આજુબાજુનો વિસ્તારએ ગીરનો વિસ્તાર છે. જેમાં સિંહ, દીપડા જેવા વન્યપ્રાણીઓનો વસવાટ છે. આવતા શ્રધ્ધાળુઓને રાત્રી રોકાણની મંજૂરી આપવામાં આવતી નથી કારણે કે, ગીર વિસ્તારનું સંરક્ષણ અને વ્યવસ્થાપન કરવું એ વનવિભાગની પ્રથામિક ફરજ છે.

હનુમાનગાળા દર્શન માટે આવતા-જતા દર્શનાર્થીઓની સલામતી અને વન્યપ્રાણીઓની સુરક્ષા માટે વનવિભાગ દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યાં છે. રાત્રીના વન્યપ્રાણીઓને કારણે શ્રધ્ધાળુઓને જીવનું જાખમ થઈ શકે છે. તાજેતરમાં સ્થાનિક લોકો દ્વારા હનુમાનગાળાની ધાર્મિક જગ્યા વનવિભાગ દ્વારા બંધ કરવામાં આવી રહી છે તે બાબતે મોટી ગેરસમજ થઈ રહી છે. હનુમાનગાળા બંધ કરવા બાબતે કોઈપણ લેખીત કે મૌખિક નોટીસ આપવામાં આવી નથી. સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી હનુમાનગાળા શ્રધ્ધાળુઓ માટે ખુલ્લુ રાખવામાં આવશે.