બાંગ્લાદેશમાં સરકારી નોકરીઓમાં અનામતને લઈને હિંસા તીવ્ર બન્યા બાદ શુક્રવારે દેશભરમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો અને સેના તૈનાત કરવામાં આવી હતી. વડાપ્રધાન શેખ હસીનાના પ્રેસ સચિવ નઈમુલ ઈસ્લામ ખાને કહ્યું કે દેશમાં કોઈપણ પ્રકારની રેલી, સરઘસ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

વિદ્યાર્થી પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચેની અથડામણમાં અત્યાર સુધીમાં 105 લોકો માર્યા ગયા છે. જેમાંથી 52 લોકોના મોત શુક્રવારે રાજધાની ઢાકામાં થયા છે. પોલીસે પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કર્યો અને ટીયરગેસના શેલ પણ છોડ્યા. દેશમાં ઈન્ટરનેટ અને મોબાઈલ સેવાઓ બંધ છે. 15 વર્ષથી સત્તામાં રહેલી વડાપ્રધાન શેખ હસીનાની સરકાર માટે પરિસ્થિતિને કાબૂમાં લેવાનો આ મોટો પડકાર છે. કેટલાક દિવસોથી ચાલી રહેલી હિંસા રોકવામાં પોલીસ નિષ્ફળ જતાં સેનાને તૈનાત કરવી પડી હતી.

105 લોકોએ ગુમાવ્યો જીવ 
દેશભરમાં ઘણા દિવસોથી ચાલી રહેલી હિંસા રોકવામાં પોલીસ નિષ્ફળ રહી હતી. વિદ્યાર્થી પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચેની અથડામણમાં અત્યાર સુધીમાં 105 લોકો માર્યા ગયા છે. જેમાંથી 52 લોકોના મોત શુક્રવારે રાજધાની ઢાકામાં થયા છે. ઈન્ટરનેટ અને મોબાઈલ સેવાઓ બંધ છે. નઈમુલ ઈસ્લામે કહ્યું કે સરકારે લોકોની મદદ માટે સેના તૈનાત કરવાનો અને કર્ફ્યુ લાદવાનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે કર્ફ્યુ તાત્કાલિક અસરથી લાગુ થઈ ગયો છે. 15 વર્ષથી સત્તામાં રહેલી વડાપ્રધાન શેખ હસીનાની સરકાર માટે આ સ્થિતિ પર કાબુ મેળવવો મોટો પડકાર છે.

405 ભારતીય વિદ્યાર્થીઓ પરત ફર્યા 
ભારત પણ બાંગ્લાદેશની સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. ભારતે કહ્યું કે હિંસક વિરોધ પાડોશી દેશનો આંતરિક મામલો છે. 8,000 વિદ્યાર્થીઓ સહિત લગભગ 15 હજાર ભારતીયો બાંગ્લાદેશમાં છે. દરેક વ્યક્તિ સુરક્ષિત છે. અત્યાર સુધીમાં 405 વિદ્યાર્થીઓ ઘરે પરત ફર્યા છે. વિદેશ મંત્રી એસ જયશંકર સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે, અમે ત્યાં ભારતીયોને સુરક્ષા સહાય માટે એડવાઈઝરી જારી કરી છે.