વડોદરામાં આકાશી આફત, ભયજનક સપાટીથી 3 ફૂટ ઉપર વહી રહી છે વિશ્વામિત્રી નદી.. કાલાઘોડા બ્રિજ બંધ

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે વડોદરામાં મેઘ મહેરની જગ્યાએ મેઘ કહેર જોવા મળી રહ્યો છે. વડોદરામાં ગઈકાલે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. અનરાધાર વરસાદથી શહેર આખુ પાણી પાણી થઈ ગયું છે. 14 ઈંચ વરસાદ ખાબકી જતા વિશ્વામિત્રી નદીએ ભયજનક સપાટી વટાવી દીધી છે. આથી નદીમાં રહેલા મગરોનો ડર પણ હવે લોકોને સતાવી રહ્યો છે. પૂરના પાણી શહેરમાં ઘૂસવાનું શરૂ થઈ ગયું છે.

હાલ વિશ્વામિત્રી નદીની સપાટી 29.13 ફૂટે પહોંચી છે. ભયજનક સપાટી 26 ફૂટ છે. ભારે વરસાદથી વડોદરામાં આજે શાળા-કોલેજો બંધ રાખવામાં આવી છે. વડોદરા શહેરમાં છેલ્લા 12 કલાકથી વરસાદનો વિરામ છે પરંતુ ઉપરવાસમાં વરસેલા વરસાદને કારણે હાલ વિશ્વામિત્રી નદીનું જળસ્તર 29.06 ફૂટે પહોચ્યું છે. વિશ્વામિત્રી નદીનું જળસ્તર જાળવી રાખવા માટે આજવા ડેમના 62 દરવાજા ખોલવામાં આવ્યા આવ્યા છે. વડોદરાના નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યાં છે. વિશ્વામિત્રીના નીર અલકાપુરી ગરનાળામાં પહોંચતા ગરનાળું ફરીથી વાહનોની અવરજવર માટે બંધ કરવામાં આવ્યું છે. તો બીજી તરફ કાલાઘોડા બ્રિજ પણ બંધ કરવામાં આવ્યો છે.

વડોદરા બાદ પાદરામાં મેઘ તાંડવ

વડોદરાના પાદરામા સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદથી પાદરા-જંબુસર હાઈવે પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. વરસાદી પાણી રસ્તા પરની દુકાનોમાં ઘૂસતા વેપારીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. સાંજે 6 વાગ્યા સુધી રાજ્યના 94 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ દાહોદના ઝાલોદમાં 2.6 ઈંચ વરસાદ, દાહોદ તાલુકામાં 1.4 ઈંચ વરસાદ, પાવી જેતપુરમાં 1.4 ઈંચ વરસાદ, કપરાડા અને લીમખેડામાં 1.4 ઈંચ વરસાદ, ધરમપુરમાં 1.3 ઈંચ વરસાદ અને દાહોદના સિંગવડમાં 1.1 ઈંચ વરસાદ નોંધાયો છે.