યોગેશ ઉનડકટ, અમરેલી: જિલ્લાના સાવરકુંડલા તાલુકાએ તાજેતરમાં કારગિલ વિજય દિવસની 25મી વર્ષગાંઠ ઉજવીને દેશભક્તિનો અનોખો નમૂનો રજૂ કર્યો છે. યુવા ભાજપ અને સાવરકુંડલા ભાજપ દ્વારા આયોજિત ભવ્ય મશાલ રેલીએ શહેરને દેશભક્તિના રંગે રંગી દીધું હતું. શહેરના રસ્તાઓ પર જય હિંદના નારાઓ ગુંજી ઉઠ્યા હતા.

પંડિત દીનદયાલ ઉપાધ્યાય ઉપવનથી શરૂ થયેલી આ મશાલ રેલી સાવરકુંડલા શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી. રસ્તાઓ પર ઉપસ્થિત લોકોના હોઠ પર “જવાનો અમર રહે, જય હિંદ”ના નારાઓ સતત ગુંજી રહ્યા હતા. આ રેલીમાં ગુજરાત પ્રદેશ ભાજપના મંત્રી અને સાવરકુંડલા વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલાની ઉપસ્થિતિએ કાર્યક્રમને વિશેષ મહત્વ આપ્યું હતું.

શહીદોને શ્રદ્ધાંજલિ અને વીર જવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ મશાલ રેલી દ્વારા સાવરકુંડલાના લોકોએ કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. સાથે સાથે નિવૃત્ત સૈનિકોનું સન્માન કરીને તેમના પ્રત્યેનો આદર વ્યક્ત કર્યો હતો. સાવરકુંડલાએ કારગિલ વિજય દિવસની ઉજવણી કરીને દેશભક્તિની જ્યોત પ્રગટાવી છે. આ પ્રકારના કાર્યક્રમો દેશપ્રેમની ભાવનાને જાગૃત કરે છે અને નવી પેઢીને દેશ માટે કુરબાની આપનારા વીર જવાનોને યાદ કરવા પ્રેરે છે.