વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા આજે નીતિ આયોગની 9મી ગવર્નિંગ કાઉન્સિલની બેઠકની મળી છે. આ બેઠકમાં ભારતને 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ સિવાય વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓએ તેમનાં રાજ્યો વિશે વાત કરી હતી.આ બધાની વચ્ચે નીતિ આયોગની બેઠકમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી વિફર્યા અને ચાલુ બેઠકમાંથી બહાર નીકળી ગયા.
વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં નીતિ આયોગની આ 9મી ગવર્નિંગ કાઉન્સિલની બેઠક ચાલી રહી છે. મીટિંગમાં 2047 સુધી ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. બેઠક માટે બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી, આસામના મુખ્યમંત્રી હિમંતા શર્મા, રાજસ્થાનના મુખ્યમંત્રી ભજન લાલ શર્મા, મધ્યપ્રદેશના સીએમ મોહન યાદવ, આંધ્રના સીએમ ચંદ્રબાબુ નાયડુ અને ગોવાના સીએમ પ્રમોદ સાવંત પહોંચ્યા હતા.
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ નીતિ આયોગની બેઠકને અધવચ્ચે પડતી મૂકી હતી. બહાર આવીને તેમણે આરોપ લગાવ્યો કે બેઠકમાં મને બોલવા જ ન દેવાયું. મારું માઈક પણ બંધ કરી દેવામાં આવ્યું હતું. બેઠકમાં વિપક્ષ તરફથી કોઈ નહોતું આવ્યું અને હું એકલી જ આવી હતી. બધા મુખ્યમંત્રીને 15-15 મિનિટનો સમય અપાયો હતો. જ્યારે મેં મારો પક્ષ રજૂ કર્યો તો મને બોલતા જ અટકાવી દેવામાં આવી.
મમતાએ કહ્યું- નીતિ આયોગને ખતમ કરો
પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ નીતિ આયોગની બેઠક અધવચ્ચે છોડીને બહાર નીકળી ગયાં હતાં. બહાર આવીને તેમણે આરોપ લગાવ્યો કે તેમને બેઠકમાં બોલવા દેવામાં આવ્યાં નથી. તેમનું માઈક બંધ કરી દેવામાં આવ્યું હતું.મમતાએ કહ્યું- મેં પૂછ્યું કે મને બોલવાથી કેમ અટકાવવામાં આવી. તેઓ શા માટે ભેદભાવ કરી રહ્યા છે? વિપક્ષમાંથી હું એકલી જ છું. આ માત્ર બંગાળનું જ નહીં, પરંતુ તમામ પ્રાદેશિક પક્ષોનું પણ અપમાન છે.મમતા બેનર્જીએ બેઠક પહેલાં કહ્યું હતું કે નીતિ આયોગને ખતમ કરવામાં આવે અને આયોજન પંચને પાછું લાવવું જોઈએ. આયોજન પંચનો વિચાર નેતાજી બોઝનો હતો. તેમણે વધુમાં કહ્યું હતું કે આ સરકાર આંતરકલહમાં પડી જશે, રાહ જુઓ. મારી પાસે હાલ વધુ સમય નથી, તેથી જ હું કોઈ નેતાને મળતી નથી. હું અરવિંદ કેજરીવાલની પત્નીને મળવા માગતી હતી, હું તેમની સાથે વાત કરીશ.
જોકે નીતિ આયોગની આ બેઠકનો I.N.D.I.A. ગઠબંધનના શાસન હેઠળના 7 રાજ્યના મુખ્યમંત્રીઓએ બહિષ્કાર કરી દીધો હતો. આ રાજ્યોમાં તમિલનાડુ, તેલંગાણા, કર્ણાટક, હિમાચલ પ્રદેશ, પંજાબ, કેરળ અને ઝારખંડ સામેલ છે. આ રાજ્યોના મુખ્યમંત્રી આ બેઠકમાં પહોંચ્યા જ નહોતા. જ્યારે એનડીએના મુખ્ય સહયોગી જેડીયુના નીતિશ કુમાર પણ આ બેઠકમાં આવ્યા નહોતા. તેમની જગ્યાએ ઉપમુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી અને મુખ્ય સચિવ બ્રજેશ મેહરોત્રાએ હાજરી આપી હતી.