આમ તો ચૂંટણી દરમિયાન નેતાઓ જનતાના પગે પડતાં જોવા મળે છે. પરંતુ ચૂંટણી પૂર્ણ થતાં જ નેતાનો અસલી રંગ સામે આવી જાય છે. અનેક નેતાઓ ફક્ત કહેવાતા નેતા જ હોય છે. જનતાને જરૂર પડ્યે તું કોણ અને હું કોણ આવું બનતું હોય છે. ત્યારે સુરતમાં પૂરની કપરી પરિસ્થતિ બાદ સુરતના ડેપ્યુટી મેયરનો અસલી ચહેરો સામે આવ્યો છે. પૂરના કાદવમાં બે ડગલાં ન ચાલી શક્યા અને ડે. મેયર નરેન્દ્ર પાટિલ ફાયર ઓફિસરના ખભે ચડી ગયા.
સુરતમાં ભારે વરસાદથી પૂર આવ્યું હતું અને સુરત શહેરના પરવટ પાટિયા પાસે ડૂબી ગયેલા યુવકનો ચાર દિવસે મૃતદેહ મળ્યો હતો. આ પાણી ઓસરતાં જ ઘટના સ્થળે ભાજપના નેતાઓની ભીડ જામી હતી. યુવકનો મૃતદેહ બહાર કાઢ્યા પછી ડેપ્યુટી મેયર ડો.નરેન્દ્ર પાટીલ સ્થળ પરથી રોડ પર જવા નીકળ્યા હતાં. ફૂટપાથથી રોડ વચ્ચે માત્ર 2 ફૂટની જગ્યામાં સામાન્ય કાદવ-કિચડ હતો.જો કે આમ છતાં અહીં ઉભેલા ફાયરના સબ ઓફિસરના ખભે ડેપ્યુટી મેયર બે પગ ઉંચા કરી ટિંગાઈ ગયા હતા.
ફાયર ઓફિસરનો ખુલાસો
આ મામલે ડેપ્યુટી મેયરને ઊંચકીને લઇ જનાર સબ ફાયર ઓફિસર સુનીલ ચૌધરીએ જણાવ્યું હતું કે, ડે. મેયરને પગમાં ઇન્ફેકશન હતું. ત્યાં બેથી ત્રણ ફૂટ કીચડ હોવાથી વધારે ઇન્ફેકશન ન થાય એટલે તેઓને રોડ પર બહાર ઉતર્યા હતા.






