ગુજરાતમાં સાયબર ક્રાઇમનું પ્રમાણ વધ્યું, રાજ્ય 1,21,701ગુન્હાઓ સાથે દેશમાં ત્રીજા ક્રમે 

રાજ્યમાં ગુનાખોરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. બીજી તરફ ડિજિટલ ઈન્ડિયા માટે મહેનત નેતાઓ અને અધિકારીઓ કરી રહ્યા છે. પરંતુ સાયબર ફ્રોડની ઘટનામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન કોંગ્રેસ પ્રવક્તાએ આ મામલે દેશમાં ગુણખોરીના આંકડા જાહેર કરી સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. આ સાથે ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યા છે.

ડીઝીટલ ઇન્ડિયાની સુફિયાણી વાતો કરતી ભાજપ સરકારની પોલ ખોલતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હિરેન બેન્કરએ જણાવ્યું હતું કે ગુજરાતમાં નકલી અધિકારી, નકલી કચેરી, નકલી ટોલનાકા, નકલી પીએમઓ, સીએમઓ અધિકારી બાદ નકલી ઓળખ બનાવીને ગુજરાતના નાગરીકોને લૂટવાનું સુનિયોજિત રીતે સાયબર ગઠિયાઓ ગુન્હાખોરી કરી રહ્યા છે. ગુજરાતમાં ફેક પ્રોફાઈલ, ફેસબુક આઈડી સહિતની નકલી ઓળખ બનાવીને નાગરિકોના ખીસ્સા પર લુંટ ચલાવામાં આવી રહી છે. ત્યારે ગુજરાતના માનનીય ગૃહમંત્રી પણ આમાંથી બાકાત રહી શક્યા નથી.

સાયબર ગઠીયાઓ એટલા છાટકા બન્યા છે કે તમને ગુજરાતના ગૃહમંત્રીનું પણ નકલી એકાઉન્ટ બનાવી દીધું. સુરતના કમિશનરનું પણ નકલી એકાઉન્ટ પણ બનાવવમાં આવ્યું. આજ દર્શાવે છે કે ગુજરાતના નાગરીકોને સાઈબર સુરક્ષા આપવામાં ભાજપ સરકાર સદંતર નિષ્ફળ નીવડી છે. ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને કોમ્યુનિકેશનના યુગમાં ઈન્ટરનેટ વપરાશ આવશ્યક બન્યું છે ત્યારે ઓનલાઈન સર્ફિંગ, સોશીયલ મીડિયા, ઈ-બેન્કિંગ સહિતના સાઈબર ગુન્હાઓમાં ગુન્હાઓ ગુજરાતમાં સતત વધુ રહ્યા છે. એક વર્ષ(2023)માં જ ગુજરાતમાં 121701 જેટલી સાયબર ફ્રોડની ફરિયાદ નોધાઇ છે. સાયબર ગઠિયાઓ એ એક વર્ષમાં સાયબર છેતરપીંડીમાં ગુજરાતીઓ રૂપિયા 650 કરોડના લૂટ્યા છે. સરેરાશ દર કલાકે 13થી વધુ અને એક દિવસમાં સરેરાશ 333થી વધુ સાયબર છેતરપીંડીના ગુન્હાઓ ગુજરાતમાં થઇ રહ્યા છે. વર્ષ 2023માં દેશમાં 1128265 સાયબર ફ્રોડની ફરિયાદ નોધાઇ છે. જેમાં ઉત્તરપ્રદેશ 197547 સાથે પ્રથમ, મહારાષ્ટ્રમાં 125153 સાથે બીજા અને ગુજરાતમાં 121701 ફરિયાદ સાથે ત્રીજા ક્રમાંકે છે.

રાજ્યમાં14 જેટલા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન !

મહિલા જાતીય સતામણી, મોબાઇલ, કોમ્પ્યુટર, ટેબલેટ, લેપટોપ દ્વારા ઇન્ટરનેટના માધ્યમથી કાયદા-કાનુનનો ભંગ કરીને થતી છેતરપીંડી ઓનલાઈન ફ્રોડ, આર્થીક ગુનાઓની ઘટનાઓ ગુજરાતમાં વધી રહી છે. સાયબર ફ્રોડથી બચવાની માહિતી ગુજરાતના નાગરિકોને મળીએ તે આવશ્યક છે ત્યારે ગુજરાતમાં સાઈબર ગુન્હાઓની તપાસ, કાર્યવાહી વગેરે માટે માત્ર 14 જેટલા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન છે. ગુજરાતમાં વધી રહેલા સાયબર ફોર્ડને રોકવા ભાજપ સરકાર કડક અને ત્વરિત પગલા લે અને સાયબર સુરક્ષા અંગે યુવાનોમાં જાગૃતિના વધુમાં વધુ કાર્યક્રમો થાય એ સુનિશ્ચિત કરે.