હવે ટુ-વ્હિલર પર પાછળ બેસનારા માટે પણ હેલ્મેટ ફરજિયાત, ગુજરાત હાઇકોર્ટનો મહત્ત્વનો આદેશ

રાજ્યમાં યસ્માતોનું પ્રમાણ સતત વધી રહ્યું છે. આ દરમિયાન આજે ગુજરાત હાઇકોર્ટમાં ટ્રાફિકના નિયમનું પાલન થતું ન હોવાના મુદ્દે કડક વલણ દાખવ્યું હતું. રાજ્યમાં હેલ્મેટના નિયમોનું પાલન નહીં થવાના મુદ્દે હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. ત્યારે ગુજરાત હાઇકોર્ટ દ્વારા રાજ્ય સરકાર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, નેશનલ હાઈવે ઓથોરિટી અને પોલીસને આદેશ આપ્યો છે કે ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન ફરજિયાત પણે કરાવવામાં આવે અને પાછળ બેસનારને પણ ફરજિયાત હેલ્મેટ પહેરવાનું રહેશે.

આજે હાઇકોર્ટે આ અરજી સંદર્ભે ઓથોરિટીને નિર્દેશ આપ્યા હતા કે આગામી 15 દિવસમાં ટૂ-વ્હીલર વાહનચાલકો અને તેની પાછળ બેસનારા માટે હેલ્મેટ પહેરવાનો અમલ ફરજિયાત રીતે કરાવવામાં આવે. શહેરમાં ટ્રાફિક અને રોંગ સાઇડ આવતાં વાહનોને કંટ્રોલ કરવામાં આવે. નેશનલ હાઇવે ખાસ કરીને એસ.જી હાઇવે ઉપર એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટ પર અકસ્માત અને વધુ અકસ્માતનાં સ્થળો ઉપર વોચ રાખીને નિવારક પગલાં લેવામાં આવે. જ્યાં વધુ ટ્રાફિક થતો હોય તેવા એરિયામાં ટ્રાફિક- પોલીસ દ્વારા સવાર-સાંજ કામ કરવામાં આવે. રોંગ સાઇડ આવતાં વાહનોને દંડ કરાય તેમજ સાઈન બોર્ડ પણ મૂકવામાં આવે.

એસ.જી હાઇવે પર ટ્રાફિક મુદ્દે ચેકિંગ કરવામાં આવે

અરજદારે જણાવ્યું હતું કે એને PILને બે ભાગમાં વહેંચી છે, જેમાં એક તો IIM ચાર રસ્તા ઉપર બનનારા બ્રિજ અને બીજો વિષય એસજી હાઇવે ઉપરની ટ્રાફિક સમસ્યા છે. અરજદારે આ માટે એક કમિટીની રચનાની માગ કરી હતી, જેમાં એસજી હાઇવે ઉપર રોડની ડિઝાઈન, ટ્રાફિક સમસ્યા, અકસ્માત નિવારણ માટે સૂચનો આપે. એસજી હાઇવે ઉપર સમયાંતરે ચેકિંગ કરીને રિપોર્ટ આપવામાં આવે. અરજદારે વધુમાં જણાવ્યું હતું કે અમદાવાદમાં ટ્રાફિક, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટ્રાફિક નિયમોનું પાલન ના થતું હોય એ વગેરે બાબતો આ જાહેરહિતની અરજીનો વિષય છે. ઓથોરિટી દ્વારા અમદાવાદ શહેરમાં ટ્રાફિક સમસ્યા, હેલ્મેટ વગર જતા ટૂ-વ્હીલર ચાલકો, ટ્રાફિક નિયમોનો ભંગ કરતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવે અને સતત ચેકિંગ કરવામાં આવે. ઝિબ્રા ક્રોસિંગને યોગ્ય સમયે ફરી પેઇન્ટ કરવામાં આવે. દર 6 મહિને એસજી હાઇવે ઉપર ટ્રાફિકની સમસ્યા મુદ્દે ચેકિંગ કરવામાં આવે. એસજી હાઇવે ઉપર તમામ સ્ટ્રીટલાઈટ ચાલુ હાલતમાં હોવી જોઈએ અને સર્વિસ રોડ પણ યોગ્ય લાઈટવાળા હોવા જોઈએ. એસજી હાઇવે ક્રોસ કરવા રાહદારીઓ માટે ફૂટઓવર બ્રિજ બનાવવામાં આવે.