ભાજપમાં જૂના કોંગ્રેસી અને નવા કોંગ્રેસી વચ્ચે લીલીપેન માટે જામી ટક્કર, મૂળ ભાજપી મૂંઝાયા? જાણો શું છે મામલો
લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે અને હવે ભાજપમાં જૂના કોંગ્રેસી અને નવા કોંગ્રેસી વચ્ચે જાણે લીલીપેનથી શહી કરવાની હોડ લાગી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. વાત જાણે એમ છે કે, ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ થાય તેવી ચર્ચાએ જોર પકડયું છે, બીજી તરફ જૂના કોંગ્રેસી નેતા અને હમણાં જ ભાજપમાં જોડાયેલ બે નેતા અને નવા કોંગ્રેસી જે ઘણાં સામેથી ભાજપમાં જોડાયા છે તે નેતાઓ વચ્ચે હોડ લાગી છે. આમાં મૂળ ભાજપી નેતાઓ મૂંઝાયા છે.
લોકસભાની ચૂંટણી પૂર્ણ થતાંની સાથે જ ગુજરાતમાં ભૂપેન્દ્ર સરકારના મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓએ જોર પકડયું છે. આ દરમિયાન હાલમાં જ કોંગ્રેસનો સાથ છોડી અને આવેલ સિનિયર નેતા અર્જુન મોઢવાડીયા અને સી. જે. ચાવડાને મંત્રી મંડળમાં સ્થાન મળે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. બીજી તરફ લીલીપેનથી સહી કરવાના સપના તો અલ્પેશ ઠાકોરે પણ જોયા હતા. અને કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને સ્ટાર પ્રચારક રહી ચૂકેલ હાર્દિક પટેલને પણ મંત્રી મંડળમાં સ્થાન મળે તેવી શક્યતા છે. આ બધુ જ જો અને તો આધારીત છે.કારણ કે ભાજપ શું નક્કી કરે તે બધાની ધારણાથી અલગ જ હોય છે. આવું અનેક વખત પુરવાર થઈ ચૂક્યું છે.
હાલ જો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળની વાત કરવામાં આવે તો. મૂળ કોંગ્રેસી કુંવરજી બાવળીયા, કુંવરજી હળપતિ, રાઘવજી પટેલને સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે બળવંતસિંહ રાજપૂત અને ભીખુસિંહ પરમારને રાજ્યકક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે. ત્યારે હાલ મૂળ 5 કોંગ્રેસીનેતાઓને ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે. આમાંથી જો કોઈને પડતાં મૂકે તો અને અન્ય કોંગ્રેસી નેતાઓને સ્થાન આપવામાં આવે તો પણ ભાજપના જૂના જોગીઓ નારાજ થશે અને જો કોંગ્રેસી નેતાઓને પડતાં મૂકે તો ભાજપમાં રહેલા મૂળ કોંગ્રેસી નેતાઓના કરિયર પર પ્રશ્નાર્થ ચિન્હ મુકાય જશે.
કોંગ્રેસ કે અન્ય પક્ષમાંથી આવેલ નેતાઓને તાત્કાલિક ભાજપમાં પદ મળી જાય છે અને કુંવરજી બાવળીયા જેવા સિનિયર નેતાઓને તો કલાકોમાં મંત્રીમંડળમાં સ્થાન પણ મળી જાય છે. ત્યારે આયાતી નેતાઓને આપવામાં આવેલ મહત્વના સ્થાનને લઈ અમરેલીના બે પૂર્વ સાંસદ દિલીપ સંઘાણી અને નારણ કાછડિયા પણ નારાજ થયા છે. પૂર્વ સાંસદ નારણભાઈ કાછડિયાએ તો જાહેર મંચ પરથી કહી કહી દીધું હતું કે, કોંગ્રેસ કે આપમાંથી સવારમાં આવે, બપોરે હોદ્દો મળે, બીજા દિવસે કેબિનેટ મંત્રીના પદ મળે, સંગઠનના પદ મળે, ધારાસભ્યની ટિકિટ મળે તો ભાજપના સાંસદ તરીકે પાર્ટીમાં રહો તેનો અમને કોઈ વાંધો નથી. આપણે સરવાળો કરવાનો છે બાદબાકી નહીં પણ ભાજપના કાર્યકર્તાના ભોગે નહીં. ભાજપનો કાર્યકર્તા 35-35 વર્ષથી ભાજપના ઝંડા લગાવતો હોય, નારા લગાવતો હોયો અને કાલે સવારે જેને લાવો તે સ્ટેજ પર બેસતો હોય અને સિનિયર કાર્યકર્તા સામે બેસે તે કેટલે અંશે વાજબી છે? જોકે એ વાત અલગ છે કે નારણભાઈ કાછડિયા પણ એક વખત કોંગ્રેસનો સાથ છોડી ભાજપમાં આવ્યા હતા. 30 વર્ષથી ગુજરાતમાં એકધારુ શાસન કરી રહેલી ભારતીય જનતા પાર્ટીએ ભરતી મેળો તો કરી લીધો પણ હવે મુંઝવણ હશે કે મેળાના સરદાર બનાવવા કોને કેમ કે જો કોંગ્રેસીઓને તક આપે તો ભાજપ નારાજ થાય અને જો મૂળ ભાજપીઓને તક આપે તો કદાચ કોંગ્રેસીઓને આપેલું વચન તૂટે પણ ગુજરાતની રાજકીય લેબોરેટરીમાં ભાજપ કેટલાય નવા પ્રયોગો કરી ચુક્યુ છે,જોવાનું એ રહેશે કે આ વખતે કેવો પ્રયોગ થાય છે. અને સૌથી મહત્વની વાત એ કે, આ પ્રયોગ પછી ભાજપની સ્થિતિ શું હશે?