વકફ સુધારા બિલને લઈને જેપીસીની રચના, ઓવૈસી સહિત આ 31 સાંસદોને મળ્યું સ્થાન
વક્ફ સુધારા બિલ પર વિચાર કરવા માટે લોકસભાએ સંસદની સંયુક્ત સમિતિની રચના કરી છે. આ માટે શુક્રવારે નીચલા ગૃહના 21 અને રાજ્યસભામાંથી 10 સભ્યોને નોમિનેટ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી. આ સંયુક્ત સમિતિમાં લોકસભાના 21 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં ભારતીય જનતા પાર્ટીના 8 અને કોંગ્રેસના 3 સાંસદોનો સમાવેશ થાય છે. સંસદીય બાબતો અને લઘુમતી બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ ગૃહમાં આ પ્રસ્તાવ મૂક્યો હતો જેને ધ્વનિ મતથી મંજૂર કરવામાં આવ્યો હતો. સમિતિને શિયાળુ સત્રના પ્રથમ સપ્તાહના અંતિમ દિવસ સુધીમાં પોતાનો અહેવાલ સુપરત કરવા માટે કહેવામાં આવ્યું છે.
જગદંબિકા પાલ, નિશિકાંત દુબે, તેજસ્વી સૂર્યા, અપરાજિતા સારંગી, સંજય જયસ્વાલ, દિલીપ સૈકિયા, અભિજીત ગંગોપાધ્યાય અને ડીકે અરુણાને સંયુક્ત સમિતિમાં સામેલ કરવામાં આવ્યા છે. કોંગ્રેસ તરફથી ગૌરવ ગોગાઈ, ઈમરાન મસૂદ અને મોહમ્મદ જાવેદને આ સમિતિનો ભાગ બનાવવામાં આવ્યા છે. સમાજવાદી પાર્ટીના સભ્ય મૌલાના મોહિબુલ્લા નદવી, તૃણમૂલ કોંગ્રેસના કલ્યાણ બેનર્જી, ડીએમકેના એ. રાજા, તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના લવુ શ્રીકૃષ્ણ, જનતા દળ (યુનાઈટેડ)ના દિલેશ્વર કામત, શિવસેના (યુબીટી)ના અરવિંદ સાવંત, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એસપી)ના સુરેશ ગોપીનાથ મ્હાત્રે, શિવસેનાના નરેશ ગણપત મ્હસ્કે, લોક જનશક્તિ. પાર્ટી ( રામવિલાસના અરુણ ભારતી અને AIMIMના અસદુદ્દીન ઓવૈસી પણ આ સમિતિમાં સામેલ છે.
લોકસભાએ રાજ્યસભાને આ સંયુક્ત સમિતિ માટે 10 સભ્યોની પસંદગી કરવા અને નીચલા ગૃહને જાણ કરવાની ભલામણ કરી છે. સરકારે ગુરૂવારે લોકસભામાં વક્ફ બોર્ડનું સંચાલન કરતા કાયદામાં સુધારા સાથે સંબંધિત એક બિલ રજૂ કર્યું હતું, જેને શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચેની ઉગ્ર ચર્ચા બાદ સંયુક્ત સમિતિને મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. લઘુમતી બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ ગૃહમાં વકફ સુધારો બિલ, 2024 રજૂ કર્યું અને વિવિધ પક્ષોની માગણી મુજબ બિલને સંસદની સંયુક્ત સંસદીય સમિતિને મોકલવાનો પ્રસ્તાવ મૂક્યો. તેના પર લોકસભા સ્પીકર ઓમ બિરલાએ કહ્યું હતું કે, ‘હું તમામ પક્ષોના નેતાઓ સાથે વાત કર્યા બાદ આ સંયુક્ત સંસદીય સમિતિની રચના કરીશ.’